ખંભાળિયામાં પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત થઈ: લોકોમાં હાશકારો

ખંભાળિયા તાલુકામાં આ વર્ષે કુલ એકસો ઈંચ વરસાદ વરસ્યો છે. આ વચ્ચે ગત સપ્તાહમાં થયેલા અતિભારે વરસાદના કારણે ઓવરફ્લો થતાં ઘી ડેમમાં ઘોડાપુર આવતા ડેમ સાત ફૂટ સુધીની સપાટીથી ઓવરફ્લોફ્લો થયો હતો. આ ઓવરફ્લો જતા પુર જેવા પાણીમાં આ વિસ્તારમાંથી પસાર થતી નગરપાલિકાની વોટર વકર્સ યોજનાની પાણીની તોતિંગ લાઈનો ધોવાઈને તણાઈ ગઈ હતી.
આથી શહેરમાં ગત રવિવારથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને શહેરના આશરે 60 ટકા જેટલા વિસ્તારને એક સપ્તાહ સુધી પાણી મળ્યું ન હતું. ઘી ડેમમાંથી વોટર વર્કસની લાઈનો દુરસ્ત કરવા નગરપાલિકાના સત્તાવાળાઓ, સ્ટાફ વિગેરે દ્વારા અવિરત રીતે કામગીરી હાથ ધરી શનિવારે રાત્રીના પાણીની આ લાઈનો જોઈન્ટ કરી દેવામાં આવી હતી.
જેના કારણે રવિવારથી શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક સપ્તાહથી પાણી ન મળતા ગઈકાલથી શરૂ થયેલા પાણીના સપ્લાયથી નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.