વડોદરા બ્રેકીંગ: 5 કરોડની ખંડણી માંગનાર ત્રણ શખ્સોને ગોત્રી પોલીસે ધરપકડ કરી

દુબઈથી જોહરભાઈ અબ્બાસીના રૂપિયાની વસૂલાત માટે આવ્યા હોવાનું જણાવી વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં રહેતા વૃદ્ધની પ્રોપર્ટી પડાવી લેવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે રોકડા 5 કરોડની ખંડણી માંગનાર ત્રણ શખ્સોને ગોત્રી પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આવેલી અભિષેક કોલોનીમાં રહેતા 60 વર્ષીય કલ્પેશભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. 5 સપ્ટેમ્બરના રોજ તેમને ફોન આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, મેં ફકરૂદ્દીન જોરાવાલા ઇન્દોરથી બોલું છું મારે તમને મળવું છે. જેનો કલ્પેશભાઈ ઇનકાર કરતા અવારનવાર ફોન આવ્યા હતા. દરમિયાન 14મી ઓક્ટોબરના રોજ તેઓ આણંદ પાસે આવેલ વઘાસી ગામ સુર મંદિર પાસે આવેલી સગાની ઓફિસે ગયા હતા. તે સમયે અચાનક ફકરૂદ્દીન જોરાવાલા, હબીબભાઈ, કૃતાબ ભાઈ ( તમામ રહે – વડોદરા) ઘસી આવ્યા હતા.
કલ્પેશભાઈને કહ્યું હતું કે, અમે ઇન્દોરથી આવ્યા છે વડોદરામાં તમારા ઘરની પણ જાણકારી છે અમે દુબઈથી જોહર ભાઈ અબ્બાસીના રૂપિયા વસૂલ કરવા આવ્યા છે. તમારી જે કોઈ મિલકત હોય તે તેના નામ ઉપર કરી દો અને તાત્કાલિક પાંચ કરોડ રૂપિયાની એક દિવસમાં વ્યવસ્થા કરો. આવતીકાલે દુબઈથી ફોન આવશે એટલે પૈસા લેવા આવીશું તેમ કહી નાસી છૂટ્યા હતા. જેથી બીજા દિવસે તેઓ વકીલને મળવા જતાં તેમના ઘરે આ ત્રણ ઈસમો ધસી ગયા હતા અને વોચમેનને જણાવ્યું હતું કે કલ્પેશને કહી દેજો દુબઈથી ફોન આવે તો ફોન ઉઠાવવાનો, નહીં તો તમને અને તમારા કુટુંબીજનોને ભારે પડશે.
ત્રણેય ઈસમો ફરી કલ્પેશભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા અને રૂપિયા પાંચ કરોડની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કલ્પેશભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક અબ્બાસી ફકરૂદ્દીન ( રહેવાસી – વડોદરા ) ને વોન્ટેડ કરાયો છે.