રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના નામે બેફામ કમાણી

– દર્દી દાખલ થાય તે પહેલાં રૂા.1 લાખ ખંખેરવાનો ખેલ
– ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને ઊંચી ડિપોઝીટ ભર્યા પછી લેબોરેટરી પરીક્ષણના નામે પણ લૂંટ, અનેકની કફોડી સ્થિતિ
રાજકોટમાં કોરોનાની ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર શહેર હાલ કોરોનાના ભયના ઓથાર હેઠળ ફપડી રહ્યું છે. આ સ્થિતિમાં કોરોના પોઝીટીવ જે વ્યક્તિ આવી રહી છે તે અને તેમનાં પરિવારોની હાલત ભારે કફોડી બની રહી છે. રાજકોટમાં કોરોનાનાં જે દર્દીઓ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા ઈચ્છતાં નથી અને ખાનગી હોસ્પિટલમાં જવા માગે છે તેમની પાસેથી દાખલ થતા પહેલાં એક લાખ રૂપિયા જેટલી ડિપોઝીટની રકમ ખંખેરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે.
રાજકોટમાં રોજ ૯૦ થી ૧૦૦ નવા કોરોનાના પોઝીટીવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હાલ કુલ આંક ૪૭૩૨ સુધી પહોંચ્યો છે. સમગ્ર શહેરમાં કોરોના જ ચર્ચાનો વિષય બન્યો છે. સંકટના આ સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. માંડ ઘરનું ગુજરાન ચલાવતા આ પરિવારોના કોઈ સભ્ય કોરોનાથી સંક્રમિત થાય છે તો આખો પરિવાર તેને ક્યાં સારવાર આપવી તેની ચિંતામાં ડૂબી જાય છે.
કોરોનાની સારવાર માટે જ્યારે કોઈ ડોક્ટર્સનું માર્ગદર્શન લેવામાં આવે ત્યારે બે જ વિકલ્પ આપવામાં આવે છે. સિવિલમાં દાખલ થાવ અથવા તો ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લો. મધ્યમ વર્ગ સૌથી વધુ મુંઝાઈ રહ્યો છે.
સિવિલમાં દર્દીઓનું ભારણ વધારે હોવાથી કેટલાક પરિવારો ખાનગી હોસ્પિટલોમાં દોટ મૂકે છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરતા પહેલાં એક લાખ રૂપિયાની ડિપોઝીટ માગવામાં આવે છે. કોરોનાની ચિંતામાં પીડાતા મધ્યમ વર્ગ માટે તત્કાળ ૧ લાખ ભેગા કરવા આસાન નથી હોતા. કોઈ દર્દી માથાકૂટ કરે તો ૧૫-૨૦ હજાર ડિપોઝીટ ઓછી આપવા હોસ્પિટલનું મેનેજમેન્ટ સહમત થાય છે.
ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓનાં પરિવારજનોના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાં ૧૫ થી ૨૦ હજારનું પેકેજ રોજનું આપવામાં આવે છે. પણ વા અને ટેસ્ટનાં ખર્ચા ઉમેરવામાં આવતા રોજના ૨૪૦૦૦ થી ૨૫૦૦૦ જેવો ખર્ચ થાય છે. દર્દીને જ્યારે રજા આપવામાં આવે ત્યારે તેમાં ડોક્ટરોએ વિઝીટ કરી હોય તેનો ચાર્જ અલગથી ઉમેરવામાં આવે છે. કોરોના પીસીઆર ટેસ્ટ કરાવ્યો હોય તો તેનો ખર્ચ અલગથી ઉમેરવામાં આવતો હોય છે. આમ, ખાનગી હોસ્પિટલમાં જુદા-જુદા ખર્ચા ઉમેરીને લાંબુ બીલ કરી દર્દીઓને લૂંટવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે.