દ્વારકા શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા

10500 ના ચાર મોબાઇલ અને 17500 ની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબ્જે : રાજકોટના શખ્સ પાસે કપાત કરાવતાનું ખૂલ્યુ
દ્વારકામાં શારદાપીઠ કોલેજ પાસે આવેલા ટીવી સ્ટેશન ચોકડી નજીક જાહેરમાં આઈપીએલ 20-20 ના પ્રસારણ ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.28 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, દ્વારકામાં શારદાપીઠ કોલેજ નજીક આવેલા ટીવી સ્ટેશન ચોકડી નજીક જાહેરમાં આઇપીએલ 20-20 ક્રિકેટ મેચના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની એએસઆઈ ઉમેશ મેર અને પો.કો. જેઠા પરમારને મળેલી બાતમીના આધારે પોલીસવડા સુનિલ જોશી અને ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સૂચનાથી પીઆઈ પી.બી. ગઢવી, એએસઆઇ જનકસિંહ રાણા, ઉમેશભાઈ મેર, પોલીસ હે.કો. રવિન્દ્રકુમાર હેરભા, પો.કો. જેઠાભાઈ પરમાર, હરપાલસિંહ ઝાલા, મહીદાન ગઢવી, મશરીભાઈ છુછર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વિજય ખીમજી બથીયા, હસમુખ સવજી જોશી, વસંત મથુરાદાસ મોદી નામના ત્રણ શખ્સોને રૂા.17500 ની રોકડ રકમ અને 10500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.28000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ ત્રણેય શખ્સો ક્રિકેટના સટ્ટાઓના સોદાઓની કપાત રાજકોટના ફિરોજભાઈ પાસે કરાવતા હોવાની કેફીયત આપતા પોલીસે ફિરોજની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.