આ દિવાળીએ ચીનની લબૂકઝબૂક ડીમ પડશે ?

ભારતમાં દર વર્ષે દિવાળી પૂર્વે ચાઇનીઝ LED લાઇટની નાની-મોટી સર્કિટ લાખોની સંખ્યામાં બજારોમાં ઠલવાતી હોય છે. અને મોટાભાગના લોકો પોતાના ઘરો, દુકાનો અને ઓફિસો સહિતની મિલ્કતો પર આ સર્કિટો લગાડતાં હોય છે. ભારતીય ઉત્પાદકોની સર્કિટની સરખામણીએ ચાઇનીઝ સર્કિટ સસ્તી અને વધુ વિવિધતા વાળી હોવાને કારણે કરોડો રૂપિયાની આ LED સર્કિટ ભારતીય બજારમાં વેચાતી હોય છે.

આ વર્ષે ભારત-ચીન તણાવને કારણે પરિસ્થિતિ અલગ છે. આયાતના નિયમોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ટેસ્ટીંગ પ્રક્રિયાઓને પણ વધુ ચોકકસ અને કડક બનાવવામાં આવી છે. ભારતીય એજન્સીઓએ ચીન સહિતના દેશોમાંથી આયાત થતી આ પ્રકારની તમામ ચીજો પર નજર વધુ સૂક્ષ્મ બનાવી છે. આ પ્રકારની ચીજોના શિપમેન્ટ દરમ્યાન કોઇ સેમ્પલ ચકાસણીમાં ફેલ જાય તો શિપમેન્ટનો તમામ માલ નાશ કરવામાં આવશે એવી પણ સરકારે આયાતકારોને ચેતવણી આપી છે.આ સાથે વિદેશોથી આવી રહેલાં બિનજરૂરી સામાનો પર પણ કેટલાંક પ્રતિબંધો લાદવામાં આવ્યા હોય આ દિવાળી પર ભારતમાં એલઇડીનું બજાર અલગ પ્રકારનું જોવા મળશે એમ માનવામાં આવે છે.
