
કોરોનાની લડાઈમાં સાવધાની રાખવાની છે ખાસ જરૂર : એઈમ્સના ડાયરેકટરનું નિવેદન
ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ કોરોનાના ૭૫ હજારથી વધુ નવા કેસ આવ્યા છે. આ સાથે અનલોકની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એઈમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે દેશમાં હજુ પણ કમ્યુનિટી સંક્રમણનો ખતરો જોવા મળી રહ્યો છે. સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
ICMRએ હાલમાં જ કોરોના સંક્રમણને લઈને સીરો સર્વે કર્યો હતો. તેના પરિણામમાં જાણવા મળ્યું કે હજુ પણ દેશમાં મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાયેલું છે. તેઓએ કહ્યું કે ખતરો એ વાત પર નિર્ભર કરે છે કે તમે કઈ જગ્યાએ રહો છો. એઈમ્સના ડાયરેકટરે પણ આ વાતને સ્વીકારી છે.
સીરો સર્વેમાં જાણવા મળ્યું છે કે હજુ પણ દેશમાં કોરોના વાયરસની વિરુદ્ઘ એન્ટીબોડી બન્યા નથી. તેના કારણે કમ્યુનિટી સંક્રમણનો ખતરો કાયમ છે. આ માટે હજુ પણ માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ ગંભીરતા સાથે કરવામાં આવે તે જરૂરી છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે હર્ડ ઈમ્યુનિટીને લઈને કંઈ કહી શકાય નહીં. કેટલીક જગ્યાઓએ હજુ પણ કોરોના સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.
નવા આંકડા અનુસાર અમેરિકા બાદ ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનારો દેશ બન્યો છે. દુનિયામાં હજુ સુધી ૩.૪૮ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. ભારતમાં આ આંક ૬૫ લાખને પાર થયો છે.