
બહુ જ ઓછા કિસ્સામાં બનતી ઘટના સામે આવી છે જેમાં અમરેલી જિલ્લાના ધારીમાં 30 વર્ષ પહેલા ચોરી કરનારા શખ્સને અમરેલીની પેરોલફર્લો સ્કવોર્ડે સુરત ખાતેથી શોધી અને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે આજથી 30 વર્ષ પહેલા 1991 ની સાલમાં ધારીમાંથી એક હીરાના કારખાનામાં 500 નંગ હીરા અને સાતેક હજાર જેવી રોકડ રકમની ચોરી થઇ હતી આ ગુનામાં પોલીસે જે તે વખતે મહુવાના સાર્દીકા ગામના રામજી ભાણા રાઠોડની ધરપકડ કરી કેટલાક હીરા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ ચોરીમાં તેમની સાથે ભાણજી ઉર્ફે ભાણા રામજી આહિર (ગુજ્જર) ઉ.વ.53 રહે. મુળ દેલવાડા હાલ મુક્તિધામ સોસાયટી મકાન નં.64 નું નામ ખુલ્યુ હતુ અને ત્યારથી ભાણજી ફરાર હતો.
અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયે ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી તેમજ ફરાર કેદીઓ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવરના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાની ટીમે તપાસ કરી સુરતથી ભાણજીને શોધી ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે 1991ની સાલમાં સુરતથી ધારી ફરવા આવ્યા હતા અને ત્યાં પૈસા ખુટી જતા હીરાના કારખાનામાં કામ કરવા બેઠા હતા અને એ જ કારખાનામાં ચોરી કરી હતી.
ભાણજીની જિંદગીમાં આ પહેલી અને છેલ્લી ચોરી હતી તેમને ખબર પડી કે સાથીદાર રામજી ભાણા પકડાઇ ગયો છે અને પોલીસ મને શોધ્ો છે તેથી ભાણજી ધોકડવા ત્યાંથી મહારાષ્ટ્ર અને કર્ણાટક ગયો હતો ત્યાં તેમણે પ્રેમલગ્ન કરી લીધા હતા અને પોતે પણ ભુલી ગયો હતો કે પોલીસ તેમને શોધ્ો છે તે સુરતમાં ગોઠવાઇ ગયો હતો અને હીરાના કામે લાગી ગયો હતો પણ ઇશ્ર્વરનો ન્યાય દરેકે ભોગવવો પડે છે એ ન્યાય અહીં જોવા મળ્યો હતો 30 વર્ષે તેણે કરેલા પાપ કર્મના ફળ સ્વરૂપે પેરોલફર્લો સ્કવોર્ડના યુવાન અને ઉત્સાહી હેડ કોન્સટેબલ અજયભાઇ સોલંકીને તેના નેટવર્કથી માહિતી મળી હતી કે ભાણજી સુરતમાં છે અને પકડાયો હતો પણ આ કામગીરી દરમિયાન એક ગોટાળો એવો પણ થયો હતો કે ચોરીના ગુનાના ફરાર આરોપી ભાણજી ઉર્ફે ભાણા નાનજી આહિર ધોકડવામાં મોટો થયો હતો તેથી પોલીસે ધોકડવા તપાસ કરતા ત્યાં એક નામના ત્રણ વ્યક્તિ મળ્યા હતા પોલીસ પાસે તેની કોઇ તસ્વીર પણ ન હતી પણ પોલીસે કુનેહથી મુળ અપરાધીને શોધી તેને ઠેકાણે તેના ફળ ભોગવવા મોકલી આપ્યો હતો.