
કોરોના અને લોકડાઉનના કારણે રાજ્ય સરકારની નાણાંકિય હાલત ડામાડોળ બની છે. નાણાંકિય તંગીને કારણે સરકાર દ્વારા અનેક કરકસરના પગલા જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના ઔદ્યોગિક ગૃહો બાકીવેરાની 48 હજાર કરોડથી પણ વધુની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. જ્યારે સરકાર પણ આ વસૂલાતને લઇને ઢીલીનીતિ અખત્યાર કરી આંખઆડા કાન કરી રહી હોવાની ચોકાવનારી વિગતો કેગના અહેવાલમાં બહાર આવી છે.
વિધાનસભાના ચોમાસુ સત્રમાં આર્થિક અને મહેસૂલી વિભાગના કેગના રિપોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા બાકી રકમની વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એ મુજબ રૂ.48042.23 કરોડ બાકી નીકળે છે, જેમાંથી રૂ.15653.07 કરોડ પાંચ વર્ષ કરતાં વધારે સમયના છે. રાજ્ય સરકાર દ્વારા જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહો પાસેથી 48042.23 કરોડમાંથી 46941.75 કરોડ મૂલ્યવર્ધિત વેરા, વેચાણવેરાની રકમ બાકી નીકળે છે. 14888.50 કરોડ પાંચ વર્ષથી વધુ સમયના બાકી નીકળે છે તેમજ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીના રૂ. 378.48 કરોડ બાકી નીકળે છે, જેમાં 225.48 કરોડ પાંચ વર્ષથી વધારા સમયના છે.
વીજળી પરના વેરા અને જકાતના 167.14 કરોડમાંથી 132.73 કરોડ‚રૂપિયા પાંચ વર્ષથી વધારે સમયના નીકળે છે. બીજી બાજુ, વાહનો પરના કર અને માલસમાન ઉતારૂ પરના કર 185.58 કરોડમાંથી જેમાંથી 37.08 કરોડ છેલ્લાં પાંચ વર્ષની બાકી રકમ છે. તેલ અને પ્રાકૃતિક ગેસના 369.28 કરોડ છેલ્લાં પાંચ વર્ષથી બાકી નીકળે છે. આમ, રૂ.1653.07 કરોડનાં પાછલાં બાકી લેણાં પાંચ વર્ષથી વધારે સમયના પડતર હતાં, જેમાંથી 227.11 કરોડ મહેસૂલી વસૂલાત પ્રમાણપત્ર મારફત આવરી લેવાના છે, જયારે 16814.25 કરોડની રકમ વેરાની ઉઘરાણી સંદર્ભે અદાલતોમાં કેસ ચાલી રહ્યાની વિગતો કેગના અહેવાલમાં બહાર આવી છે.