
ખેતરમાં હાઇટેન્શન વાયરો માટે વીજથાંભલા નાંખી ગુજરાત સરકારનો ઉર્જા વિભાગ ખેડૂતોને વળતર આપે છે પરંતુ ખેડૂત કે સામાન્ય વ્યક્તિ સરકારી વીજ કંપ્નીના ખુલ્લા વાયરોના કરંટથી મૃત્યુ પામે તો તેને ઝડપથી વળતર મળતું નથી. સરકારના વિચિત્ર નિયમના ઉર્જા વિભાગમાં આ પ્રકારના સંખ્યાબંધ કેસો પડતર હોવાની વિગતો જાણવા મળી છે.
ઉર્જા વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં 35000 થી વધુ ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇન માટે વીજથાંભલા નાંખ્યા છે અને તેના વળતર પેટે સરકારે પાંચ વર્ષમાં ખેડૂતોને 120 કરોડની માતબર રકમ ચૂકવી છે. 2018ના એક જ વર્ષમાં ખેડૂતોને 10.87 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
ઉર્જા વિભાગ આવા થાંભલા નાંખે તો ખેડૂતના ખેતરમાં નુકશાન થાય છે. ખેતીની જમીન બદબાદ થાય છે અને ક્યારેક પાકને પણ હાનિ થાય છે તેથી સરકાર ખેડૂતોને નિયમસરનું વળતર ચૂકવી આપતી હોય છે. બીજી તરફ સરકારની વીજ કંપ્નીઓની બેદરકારી પણ સામે આવે છે. રાજ્યમાં ખુલ્લા વાયર અને વીજ સપ્લાયના કારણે લોકોના કરંટ લાગવાથી મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ઝડપથી સહાયની રકમ ચૂકવવામાં આવતી નથી.
ખામી ભરેલી વીજવાયરની વ્યવસ્થાને કારણે ગામ કે શહેરમાં અથવા તો ખેતરમાં લોકોના કરંટ લાગવાથી મોત થાય છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન આવા મૃત્યુના કિસ્સાઓ વધી જાય છે. ઉર્જા વિભાગે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં 1400 વ્યક્તિ અને 2700 પશુઓના પ્રાણઘાતક અકસ્માત થયાં છે. આ અકસ્માત થવાનું મુખ્ય કારણ કુદરતી આપત્તિ અને વીજ કંપ્નીઓની બેદરકારી હોય છે.