દેશમાં કેસનો આંક 58 લાખને પાર, 47 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 86,052 નવા કેસ નોંધાયા, 1141 દર્દીઓએ જીવ ગુમાવ્યો
ભારતમાં કોવિડ-19 થી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 58 લાખને પાર થતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ 24 કલાકમાં સામે આવેલા કેસોની સંખ્યા સતત ચોથા દિવસે 90 હજારથી નીચે રહેતાં આંશિક રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 14 લાખથી વધુ હોવા છતાંય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 86,052 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,141 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 58,18,571 થઈ ગઈ છે.
આ ઉપરાંત, દેશમાં કોવિડ-19 ની મહામારી સામે લડીને 47 લાખ 56 હજાર 165 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,70,116 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 92,290 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,89,28,440 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 14,92,409 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.