ખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલ માં 200 બેડની સુવિધા, કોવિડ કેર અને…

નોવેલ કોરોના વાઈરસ રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલમાં જિલ્લા દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજયમાં કોવિડ-૧૯ ના કેસોમાં અસાધારણ વધારો જાણવા મળેલ છે.
દેવભૂમિ દ્વારકામાં કોવિડ-૧૯ ના કેસો વધવાના કારણે સ્થાનિક જનસમુદાયને ભવિષ્યમાં કોવિડ-૧૯ રોગની સારવાર મેળવવામાં કોઈ મુશ્કલી ન પડે તેમજ સ્થાનિક કક્ષાએ જ ગુણવતાસભર આરોગ્યની પ્રાથમિક સારવાર સરળતાથી મળી રહે તે હેતુથી ખંભાલીયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટાઉનહોલમાં ર૦૦ બેડથી સુવિધાયુકત કોવિડ કેર સેન્ટર અને આઈસોલેશન સેન્ટર તૈયાર કરી ગુજરાત રાજયના ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને સ્થાનિક સાંસદસભ્યશ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં તા.ર૬/૦૪/ર૦ર૧ થી કાર્યરત કરવામાં આવેલ છે.
ઉપરોકત નવનિયુકત કોવિડ કેર સેન્ટર અને આઈસોલેશન સેન્ટરમાં પ્રારંભિક તબકકે ર૦ ઓકસીજન સુવિધા વાળા બેડ સહિત કુલ 200 બેડ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો..
ગુજરાતના વધુ 8 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ, જાણો સંપૂર્ણ માહિતી..
આ સેન્ટરમાં જિલ્લા પંચાયત અંતર્ગત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એમ.બી.બી.એસ. તબીબો, આયુષ તબીબો અને પેરામેડીકલ કર્મચારીની ટીમો બનાવી રાઉન્ડ ધ કલોક દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવશે. આ સેન્ટર ખાતે માત્ર સરકારી કોવિડ હોસ્પિટલ ખાતેથી રીફર કરવામાં આવેલ દર્દીઓને દાખલ કરી ઓકસીજન બેડ હેઠળ સારવાર આપવામાં આવશે.

આ સેન્ટરની સાફ સફાઈ તથા જરૂરી ચીજવસ્તુની વ્યવસ્થા નગરપાલિકા-જામખંભાલીયા દ્વારા કરવામાં આવેલ છે. આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવતા તમામ દર્દીઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જે કોવિડ-૧૯ ના દર્દીઓ હોમ આઈસોલેશન સારવાર મેળવવાને લાયક હોય પરંતુ તેમના ઘરે અલાયદા રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય તેવા દર્દીઓ આ સેન્ટર ખાતે દાખલ થઈ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી શકશે.
આ પ્રસંગે દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ, કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.બી.સુતરીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો.એચ.પી.મટાણી, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો.એમ.ડી. જેઠવા, ખંભાલીયા નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી તેમજ અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહેલ હતા