હાઈ-વેની હાલત સુધારવા હવે સરકાર રેટિંગ આપશે

યાત્રિક સુવિધા, ટોલ પ્લાઝા પાર કરવાનો સમય સહિતના આધારે રેટિંગ અપાશે
કેન્દ્ર સરકારે દેશભરમાં ફેલાયેલા ટુ-લેન અને ફોર-લેન રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કનું રેટિંગ કરાવવાનો આદેશ આપ્યો છે. યાત્રિક સુવિધા, ટોલનાકું પાર કરવાનો સમય અને આરામદેહ મુસાફરી વગેરે માપદંડોના આધારે રેટિંગ આપવામાં આવશે.
સરકારનું માનવું છે કે રેટિંગની મદદથી ટોલ ટેક્સ ચૂકવનારા માર્ગ યાત્રિકોને સુરક્ષિત, સુગમ, સુવિધાજનક મુસાફરી કરાવવાનું સરળ બની શકશે.
આ આદેશ મુજબ નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એન્જિનિયરોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બે અને ચાર લેન રાજમાર્ગો પર બનેલા પ્રત્યેક બે ટોલપ્લાઝા વચ્ચેના સેક્શનના વિવિધ માપદંડો અનુસાર રેટિંગ આપશે. આ પ્રક્રિયા વર્ષમાં બે વખત કરવામાં આવશે. રેટિંગનું કામ આ મહિનાથી જ શરૂ કરી દેવાશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજમાર્ગ સેક્શનને શૂન્યથી 100 નંબર આપવામાં આવશે. તેમાં સૌથી વધુ નંબર સડક સુરક્ષા માટે આપવામાં આવશે. આ ઉપરાંત વાહનની ઝડપ, અડચણ તેમજ સુગમતા, ટોલ પ્લાઝા પર લાગનારો સમય વગેરે માટે 45 નંબર અપાશે. 20 નંબર રાજમાર્ગની બાજુમાં આવેલા યાત્રિકો માટે ઉભી કરાયેલી સુવિધા માટે અપાશે. રેટિંગ પ્રક્રિયામાં સડક યાત્રિકોનો ફિડબેક પણ લેવામાં આવશે.