પંચમહાલનો સામાન્ય કિસ્સો-ગટરના તૂટેલ ઢાંકણા,પાલિકાની ખૂલતી પોલ અને નગરજનોના ફૂટેલ નસીબ…

પંચમહાલના કાલોલ નગરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા હાઈવે પર ગટર લાઈન ઉપર ઢાંકણા લગાવવામાં આવી છે. સંલગ્ન નવા બજારના પ્રવેશદ્વાર પાસેની ચોકડી પાસેના ક્રોસિંગની ગટર લાઈન પર પાલિકા દ્વારા જે ઢાંકણા લગાવવામાં આવેલા છે, એ ઢાંકણા ઘણા સમયથી અનેક જગ્યાએ તુટી ગયેલા હોવાથી નગરમાં આવતા જતા અનેક અજાણ્યા વાહન ચાલકોના વાહનો તેમ ફસાઈ જાય છે.

આ એક વખત નહીં પણ ઘણી વખત આવા કિસ્સાઓ બહાર આવ્યા છે. આ અંગે પાલિકાને અને હાઈવે ઓથોરીટી ધરાવતા ટોલ રોડની કંપનીને તુટેલા ક્રોસિંગ અંગે અનેકવખત રજુઆત કરવામાં આવી છે , છતાં પણ બન્ને જવાબદાર તંત્ર સદંતર લાપરવાહ જોવા મળતું આવે છે.
આ ગટર લાઈન પર અનેક ઢાંકણા તુટી ગયા છે. ઘણી જગ્યાએ ઢાંકણા ખસી ગયા છે અને બે પથ્થરો વચ્ચે મોટી ગેપ પડી જતા આ પથ્થરો વચ્ચેની જગ્યામાં અનેક વાહનચાલકો ફસાયા છે આવા બનાવો બન્યા છે. ફરી તાજેતરમાં એક આવો જ બનાવ બન્યો હતો.
ગયા અઠવાડિયે જ એક કાર ચાલકની કારનું ટાયર ગેપમાં ફસાઈ ગયું હતું. આ વાતને અઠવાડિયુ વીતીગયું છતાં પણ એ સમસ્યાનું સમાધાન આવ્યું નથી. એવી જ પરિસ્થિતિમાં શનિવારે સાંજે વધુ એક કાર ચાલકની ગાડી આ ગેપમાં ફસડાઈ હતી. આમ નગરના મુખ્ય માર્ગના પ્રવેશદ્વારમાં એક જ અઠવાડિયામાં બે વાર અકસ્માત સર્જાયા છે પણ હજુ આ વાતનો કશો પણ ઉકેલ આવ્યો નથી.