દ્વારકાના બે કોરોના દર્દીને ખંભાળિયાથી જામનગર લઇ જવા એમ્બ્યુલન્સના ચાલકે રૂા. ૧૦ હજાર લીધા

સરકારે ભાડે રાખેલી એમ્બ્યુલન્સ ચાલક દ્વારા ઉઘરાણા
હાલ કોરોના મહામારીના સમયમાં દ્વારકાના એક એમ્બ્યુલન્સ ચાલકે માનવતા નેવે મૂકીને દ્વારકાના બે કોરોના દર્દીને દ્વારકાની સરકારી હોસ્પિટલથી ખંભાળિયા સરકારી હોસ્પિટલ લઈ જવાના રૃપિયા દસ હજારનું ધરાર ઉઘરાણું કર્યું હોવાની ફરિયાદ પ્રાંત અધિકારીને કરવામાં આવી છે.
દ્વારકાના ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના પુનિતભાઈ વાયડાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બે દિવસ અગાઉ તેમના સાસુ અને સાળીને કોરોનાની અસર જણાતા દ્વારકાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
ત્યારપછી બન્ને દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બન્નેને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જવા જણાવાયું હતું. જેથી એમ્બ્યુલન્સમાં ખંભાળિયાથી જામનગર લઈ જવાનું નક્કી કર્યું હતું. આ એમ્બ્યુલન્સ ચાલકે દર્દીઓ પાસેથી રૃપિયા દસ હજાર માંગ્યા હતાં અને જ્યાં સુધી રૃપિયા દસ હજાર ડ્રાઈવરના મોબાઈલમાં જમા ન કરાવ્યા ત્યાં સુધી (બે કલાક સુધી) એમ્બ્યુલન્સમાં બેસાડી રાખ્યા હતાં. ત્યારપછી જ તેમને જામનગર સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતાં.
આ અંગે વધુ જાણવા મળતી વિગતો પ્રમાણે જિલ્લા કલેક્ટરે આ એમ્બ્યુલન્સ કોન્ટ્રાક્ટ ઉપર ભાડે રાખીને દ્વારકાની સરકારી હોસ્પિટલને ફાળવી છે. હાલની સ્થિતિને અનુલક્ષીને સરકારી હોસ્પિટલે આ એમ્બ્યુલન્સ તાલુકા હેલ્થ કચેરીને ફાળવી છે અને ત્યાંથી આ એમ્બ્યુલન્સ દર્દીઓને મૂકવા-લેવાના ફેરા કરે છે.
આ એમ્બ્યુલન્સ ચાલક દર્દીઓ પાસેથી નાણા પડાવતો હોવાની અન્ય ફરિયાદો પણ ઊઠવા પામી છે, જો કે પુનિતભાઈ વાયડાએ કરેલી ફરિયાદના પગલે પ્રાંત અધિકારી ભેટારિયાએ જણાવ્યું છે કે આ મામલામાં તપાસ કરીને કડક પગલાં લેવામાં આવશે. તેમણે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ કરી તાકીદે રિપોર્ટ આપવા સૂચના આપી છે.