
યુનોની ટ્રેડ બોડીનું અનુમાન, આવતા વર્ષે સ્થિતિ થોડી સુધરશે
દેશમાં કોરોના વાઈરસ મહામારી હવે ઉગ્ર બની ગઈ છે અને પાછલા એક માસથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે ત્યારે દેશના અર્થ તંત્ર વિશે યુનોની વ્યાપાર બોડીએ કેટલીક ચિંતાજનક આગાહીઓ કરી છે અને એમ કહ્યું છે કે, દેશનું અર્થતંત્ર 5.9 ટકા જેટલું ડાઉન થશે.
યુનોની આ વ્યાપાર પેનલ દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે અને તેમાં કેન્દ્ર સરકારને એવી સલાહ આપવામાં આવી છે કે, કરકસરના પગલા ભરવાથી દૂર રહેજો નહીંતર સ્થિતિ વધુ બગડી જશે.
યુનોની આ વ્યાપાર પેનલ દ્વારા એવું અનુમાન કરવામાં આવ્યું છે કે, 2020ના વર્ષમાં ભારતનું અર્થતંત્ર 5.9 ટકા જેટલું ડાઉન થશે પરંતુ આગામી વર્ષમાં અર્થતંત્ર 3.9 ટકા જેટલી વૃધ્ધી કરશે. જો કે, આ વૃધ્ધિ કેન્દ્ર સરકારના પ્રોત્સાહક પગલા પર આધારીત રહેશે.
અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે, ભારતમાં અન્ય દેશોની સરખામણીએ લાંબુલચ લોકડાઉન રહ્યું હતું પરિણામે વેપાર, ધંધા, ઉદ્યોગ અને ખાસ કરીને ઉત્પાદક ક્ષેત્રોમાં સદંતર મંદી આવી ગઈ છે અને લોકડાઉન ખોલવામાં આવ્યું છે તેને પણ લાંબો સમય થઈ ગયો છે છતાં હજુ પણ અર્થતંત્રમાં કોઈ ચેતના દેખાતી નથી.
પેનલ દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર સામે પડકારો આવશે પરંતુ લોકોની ખર્ચની ક્ષમતા વધે તેવા પગલા કેન્દ્ર સરકારે ઘડવા પડશે તો જ અર્થતંત્ર વેગવાન બનશે. 2020ના વર્ષમાં આવકમાં સતત ઘટાડો ચાલુ રહેશે પરિણામે અર્થતંત્રમાં વૃધ્ધિ થવાની બદલે વધુ નીચે આવશે.
યુનોની આ પેનલ દ્વારા એવો કયાશ પણ કાઢવામાં આવ્યો છે કે, બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, સાઉથ આફ્રિકા, મેકસીકો અને બ્રાઝીલ જેવા દેશો કરતા ભારતના અર્થતંત્રમાં કોઈ ગતિશીલતા હજૂ સુધી દેખાઈ નથી અને તે ચિંતાજનક બાબત છે.