યોગી સરકારનો મોટો નિર્ણય, મર્યાદા પુરુષોત્તમ ‘શ્રી રામ’ના નામ પર હશે અયોધ્યા એરપોર્ટ

અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના નામ પર કરવામાં આવશે. આ સાથે જ એરપોર્ટને હવે ઈન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવશે. યોગી સરકારે એરપોર્ટનું નામ બદલવા અને એરપોર્ટનો વિસ્તાર વધારવા માટે કવાયત શરૂ કરી દીધી છે. એરપોર્ટનું નિર્માણે ડિસેમ્બર 2021 સુધી પુર્ણ કરવાની યોજના યોગી સરકારે બનાવી છે.
રામ મંદિર બન્યા બાદ અયોધ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે વૃદ્ધિ થશે. તેના નજરમાં રાખતાં એરપોર્ટના વિસ્તારની યોજના બનાવવામાં આવી છે. અયોધ્યા એરપોર્ટને હાલ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળ્યો નથી, પણ રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે તૈયારી કરાવી રહી છે, જેથી એરપોર્ટ શરૂ થાય તે પહેલાં જ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળી શકે.
અયોધ્યા સ્થિત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આકાર આપવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટના રન વેને મોટા વિમાનો માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પહેલાં તબક્કામાં અહી A 321 અને બીજા તબક્કામાં 777.300 શ્રેણીના વિમાનોનું સંચાલન શરૂ કરવામાં આવશે.
EEIએ અગાઉ જ પ્રી ફિઝિબિલિટી સ્ટડી પૂરી કરી લીધી છે. તે અનુસાર રાજ્ય સરકાર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે લગભગ 600 એકર ભૂમિ ભારતીય વિમાનપત્તન પ્રાધિકરને ઉપલબ્ધ કરાવશે. યોગી સરકારે અયોધ્યા સ્થિત રનવે તેમજ એરપોર્ટના વિકાસ માટે 525 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
પ્રદેશ સરકારના નાગરિક ઉડ્ડયન તેમજ અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી નંદ ગોપાલ નંદીએ કહ્યું કે, અત્યાર સુધી 525 કરોડ રૂપિયા મંજૂર થઈ ચૂક્યા છે, જેમાંથી 300 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. જમીનના અધિગ્રહણની પ્રક્રિયા ચાલુ છે, આ અંગે ટૂંક સમયમાં અધિકારીઓની એક સમીક્ષા બેઠક પણ બોલાવવામાં આવી છે.