ભાટિયાના યુવાન સાથે છેતરપિંડીની રકમ પોલીસે પરત અપાવી

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા યુવાનના ખાતામાંથી ઉચાપાત કરાયેલી 75,000 ની રોકડ રકમ દ્વારકા સાયબર સેલ સ્ટાફે કાર્યવાહી કરી આ રકમ પરત અપાવી હતી.
આ અંગેની વિગત મુજબ,દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા રમેશભાઈ રસીકલાલ આરંભડિયા યુવાનને ગત તા.19/9/20 ના રોજ તેના મોબાઇલ નંબર પર મેસેઝ આવેલ કે તેમના બેંક ખાતામાંથી કુલ રૂા.75,000 ઉપડી ગયેલ છે.
ઉપરોકત ટ્રાન્ઝેકશન જાણ બહાર પેટીએમ ગેટવે પર થયેલ હતું. એ રીતે બેંક એકાઉન્ટમાંથી અનઓથોરાઈઝ ટ્રાન્ઝેકશન થયેલ હતું. જેમાં કુલ રકમ રૂા.75,000 ની ઉચાપાત કરવામાં આવી હતી. આ બનાવ અંગેની સાયબર ક્રાઈમ સેલમાં જાણ કરાતા જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી તથા નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એમ.ચાવડા તથા સ્ટાફના પો.કો. ધરણાંતભાઈ ખીમાભાઈ બંધિયા, નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, મુકેશભાઈ અરજણભાઈ કેશરિયા, રાજેશભાઈ પરશોતમભાઈ રંગાણી સહિતના સ્ટાફે બનાવ અંગે જરૂરી પત્ર વ્યવહાર કરી રમેશભાઈના ખાતામાંથી ઉચાપાત કરાયેલી રૂા.75,000 ની રોકડ પરત અપાવી હતી.