તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: અંજિલભાભીએ 12 વર્ષે શો છોડતા પ્રોડ્યૂસર અસિત મોદીએ હવે મૌન તોડ્યું

હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિભાભીનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ નેહા મહેતાએ 12 વર્ષ પછી આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નેહા મહેતાના સ્થાને ટીવી એક્ટ્રેસ સુનૈના ફોઝદાર નવા અંજલિભાભી તરીકે જોવા મળે છે. હાલમાં જ સિરિયલની ટીમે નેહા મહેતા અંગે એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. અસિત મોદીએ નેહા મહેતા અંગે વાત કરી હતી.
શું કહ્યું અસિત મોદીએ?
‘તારક મહેતા’ની ટીમ તરફથી રિલીઝ કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં અસિત મોદીએ કહ્યું હતું, નેહા મહેતા હંમેશાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પરિવારનો એક હિસ્સો રહેશે. 12 વર્ષા સંબંધોને ક્યારેય શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. નેહા મહેતા તથા અમે સાથે મળીને આ નિર્ણય લીધો હતો. ટીમના દરેક સભ્યે અંજલિ મહેતાના પાત્ર તથા શોમાં નેહા મહેતાએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં જો તક મળી તો અમે ચોક્કસથી સાથે કામ કરીશું.
આ પહેલા નેહા મહેતાએ શું કહ્યું હતું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નેહા મહેતાએ કહ્યું હતું, હું અસિતજીનું ઘણું જ સન્માન કરું છું અને હું ઈચ્છું છું કે તેઓ પહેલા પોતાની વાત રજૂ કરે અને તે જે કહેશે તે હું સન્માન પૂર્વક માની લઈશ. મને મીડિયા તથા દર્શકો પર ઘણો જ વિશ્વાસ છે. દરેક અંતની એક નવી શરૂઆત હોય છે. હું બહુ જ પોઝિટિવ છું અને આશા છે કે ભવિષ્યમાં પણ હું આ જ રીતે ચાહકોને એન્ટરટેઈન કરતી રહીશ. આ સમયે આપણે બધા જ એક ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ સમયે આપણે એકબીજાને સાથ આપવો જોઈએ.

આ કારણે શો છોડ્યો હોવાની ચર્ચા
સેટ પર હાજર રહેલા સૂત્રોના મતે, નેહા છેલ્લા 12 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. આથી જ સેટ પરના લોકો તેને સન્માન આપે તેવી તેની અપેક્ષા હોય તે સમજી શકાય તેવી વાત છે. જોકે, આવું થતું નહોતું. નેહાને નાની-નાની વાતોમાં હેરાન કરવામાં આવતી હતી. અનેકવાર સેટ પર રડી પણ પડતી હતી. અનેકવાર સેટ પર એવી પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવતી કે નેહા સાચી હોય છતાંય તે ચૂપ રહેતી હતી.
થોડાં પહેલા મહિના પહેલાં જ મેકર્સ તથા નેહા વચ્ચે મતભેદો થયા હતા અને પછી મેકર્સે તેને કહી દીધું હતું કે જો તે કામ કરવા નથી માગતી તો ખુશીથી આ શો છોડી શકે છે. પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લેવા પડ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રોડ્યૂસરે નેહાની સામે શો છોડવાની વાત મૂકી હતી પરંતુ તે સમયે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. ત્યારબાદ લૉકડાઉનને કારણે શોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સિરિયલની પ્રોડક્શન ટીમ તરફથી કોઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો નહોતો. અલબત્ત, અસિત મોદીએ એક-બેવાર નેહાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે નેહા પોતાના પર્સનલ કમિટમેન્ટમાં વ્યસ્ત હતી અને તેને કારણે તે વાત કરી શકી નહોતી.
નેહા સાથે અન્યાય થયો હતો
સૂત્રોના મતે, નેહા સેટ પર પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માગતી હતી. જોકે, ક્યાંકને ક્યાંક નેહા સાથે અન્યાય થયો હતો. શરૂઆતમાં નેહાએ આ વાત પર ધ્યાન આપ્યું નહોતું. તે એમ વિચારીને ચૂપ રહી કે સંબંધોમાં તો આવા નાના-મોટા લડાઈ ઝઘડા ચાલતા રહે અને તેની અસર કામ પર પડવી જોઈએ નહીં. જોકે, થોડાં સમય બાદ પોતાના સન્માન માટે નેહાએ શો છોડવાનો નિર્ણય લીધો. નેહાના મતે, તેનામાંથી અનેક લોકો પ્રેરણા લે છે અને તે લોકોમાં ખોટું ઉદાહરણ બનવા માગતી નથી. આથી જ તેણે શો છોડીને આગળ વધવાનો નિર્ણય લીધો છે. નેહાએ જ્યારે પ્રોડ્યૂસર અસિત મોદી સામે શો છોડવાની વાત કહી તો તે સમયે તેની વાત પ્રોડ્યૂસરે સ્વીકારી લીધી હતી.

સુનૈનાએ શૂટિંગ શરૂ કર્યું
અંજલિભાભીના રોલમાં હવે સુનૈના જોવા મળશે. સુનૈનાએ સિરિયલનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. 19 જુલાઈ, 1988માં મુંબઈમાં જન્મેલી સુનૈનાએ વર્ષ 2007થી ટીવી સિરિયલ ‘સંતાન’થી કરિયરની શરૂઆત કરી હતી. સુનૈનાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ ‘કૂબૂલ હૈં’, ‘અદાલત’, ‘રહેના હૈં તેરી પલકો કી છાંવ મેં’, ‘લાગી તુઝસે લગન’, ‘હમસે હૈં લાઈફ’, ‘પ્રિયા બસંતી રે’, ‘મહીસાગર’, ‘એજન્ટ રાઘવ’, ‘ડોલી અરમાનો કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ સિરિયલના સેટ પરની તસવીર પણ શૅર કરી હતી.