
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ માં આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, આગામી 30 દિવસમાં, મુંબઈ પર ડ્રોન, રીમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલો અથવા પેરા ગ્લાઇડર્સ દ્વારા હુમલો કરી શકાય છે. સ્થાનને પણ નિશાન બનાવી શકાય છે. આવી સ્થિતિમાં ડ્રોન, લાઇટ એરક્રાફ્ટ, પેરા ગ્લાઈડિંગ પર 30 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ 30 ઑક્ટોબરથી 28 નવેમ્બર સુધી ચાલુ રહેશે. પોલીસે સમગ્ર શહેરમાં કલમ 144 લગાવી છે અને ટોળા પર પ્રતિબંધ મુક્યો છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી હાઈએલર્ટ મળ્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

જાહેર સંપત્તિ આતંકીઓનું નિશાન બની શકે છે
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જાહેર સંપત્તિ પણ આતંકવાદીઓના નિશાના પર હોઈ શકે છે. ગુપ્તચર વિભાગના પત્રને પગલે આ વિસ્તારમાં કોઈપણ ઉડતી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યું છે કે આ હુકમ આગામી 30 દિવસ સુધી ચાલુ રહેશે. એવું કહેવામાં આવ્યું હતું કે આ હુકમના ભંગ કરનાર સામે આઈપીસી 1860 ની કલમ 188 હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
ચેતવણી જારી કરવાની સાથે પોલીસે કહ્યું છે કે સામાન્ય લોકોએ ગભરાવું નહીં પણ સાવધ રહેવું જોઈએ. ડીસીપી ચૈતન્યએ લોકોને અપીલ કરતાં કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દરેક વ્યક્તિએ સાવધ રહેવું.