SRH vs RR: રાજસ્થાને હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

રાહુલ તેવટિયા અને રિયાન પરાગે છઠ્ઠી વિકેટ માટે 85* રનની ભાગીદારી કરીને ટીમને મેચ જીતાડી. રાહુલ તેવતિયાએ ફરી એક વખત દમદાર બેટિંગ કરીને ટીમને હારેલી મેચમાં જીત અપાવી છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે સતત ચાર મેચમાં મળેલા પરાજય બાદ વાપસી કરી છે.
તેવતિયા (45*) અને રિયાન પરાગ (42*) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે અણનમ 85 રનની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે. એક સમયે રાજસ્થાન માટે મુશ્કેલ પરિસ્થિતિ બની ગઈ હતી. પરંતુ બંન્ને યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરી ટીમને ટૂર્નામેન્ટમાં ત્રીજો વિજય અપાવ્યો છે. આ પહેલા રાજસ્થાન સતત ચાર મેચ હારી ચુક્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 163 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

મનીષ પાંડેએ શાનદાર બેટિંગ કરતા પોતાના IPL કરિયરની 17મી ફિફટી મારી. પાંડેએ 44 બોલમાં 2 ફોર અને 3 સિક્સની મદદથી 54 રન ફટકાર્યા. જ્યારે ઓપનર ડેવિડ વોર્નરે ટીમને સ્થિરતા આપતા 38 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 48 રન કર્યા હતા. તે જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાવી હતી.