
સનરાઇઝર્સ હૈદરાબાદે મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સને દસ વિકેટે હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો અને કોલકાતા નાઈટ રાઇડર્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી. મુંબઈ ઈન્ડિયન્સે જીતવા માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે હૈદરાબાદએ સરળતાથી 17.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેદાનમાં પરત ફર્યો. હૈદરાબાદે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. અભિષેક શર્માની જગ્યાએ પ્રિયમ ગર્ગને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું હતું. જ્યારે મુંબઈની ટીમમાં જયંત યાદવ, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની જગ્યાએ રોહિત શર્મા, જેમ્સ પેટિન્સન અને ધવલ કુલકર્ણી રમ્યા હતા.
વોર્નર-સાહાની ધમાકેદાર બેટિંગ

મુંબઈએ આપેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાએ દમદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં વિના વિકેટે 56 રન જોડ્યા હતા. બંન્નેએ 12મી ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. ડેવિડ વોર્નરે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો સાહાએ 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.