સોનિયા ગાંધી આજે પત્રલેખક નેતાઓને મળશે, સંસદના ચોમાસુ સત્રના આરંભ પહેલાં બેઠક યોજાશે

23 નેતાઓએ કાયમી અધ્યક્ષના મુદ્દે પત્ર લખ્યો હતો
કોંગ્રેસ પક્ષને કાયમી અધ્યક્ષ આપવાના અને પક્ષમાં ચૂંટણી યોજવાના મુદ્દે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓને આજે મંગળવારે મળવાની સોનિયા ગાંધીની યોજના હતી. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલાં પક્ષમાં ફરી રાબેતા મુજબની સ્થિતિ સ્થપાય એવી સોનિયા ગાંધીની ઇચ્છા હતી.
23 નેતાઓના પત્રને પગલે જબરદસ્ત ચર્ચા જગાડનારી કારોબારીની બેઠક પછી આજે કદાચ પહેલીવાર સોનિયા પક્ષના અસંતુષ્ટ મનાતા પત્ર લેખકોને મળશે. આ પત્ર લેખકોમાં પક્ષના સિનિયર નેતાઓનેા સમાવેશ થયો હતો. સર્વશ્રી કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ, શશી થરૂર, આનંદ શર્મા વગેરે નેતાઓએ પત્રમાં સહી કરી હતી. આજે સોનિયા ગાંધઈ આ 23 નેતાઓને મળીને તેમની ફરિયાદો સાંભળે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે એ પહેલાં અસંતુષ્ટોને પ્રભાવહીન કરી નાખવા સોનિયા ગાંધીએ પોતાના વફાદારો અને નિકટવર્તીઓને કોંગ્રેસ સંસદીય બોર્ડમાં સમાવી લીધા હતા. ઉત્તર પ્રદેશમાં 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી રૂપે જે નવી સમિતિઓ રચવામાં આવી એમાં એક પણ અસંતુષ્ટને લેવામાં આવ્યા નથી.
આજની બેઠકમાં સોનિયા અસંતુષ્ટેાને શાંત કરી શકે છે કે કેમ એ જોવાનું છે. આ સિનિયર નેતાઓને લાંબો સમય ઉપેક્ષિત રાખી શકાય એમ નથી એ હકીકત સોનિયા ગાંધી પોતે પણ સમજે છે. માથા પર બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી તોળાઇ રહી હોય ત્યારે પક્ષના સિનિયર નેતાઓ રીસાયેલા રહે તો પક્ષનેજ નુકસાન થવાનું છે એ હકીકત પણ સોનિયા ગાંધી બરાબર સમજે છે.
અત્યારે સંજોગો એવા છે કે એ એક પણ અસંતુષ્ટ નેતાને કદ પ્રમાણે વેતરી નાખવાની સ્થિતિમાં નથી. આજની બેઠક કોંગ્રેસ પક્ષના ભાવિ માટે મહત્ત્વની બની રહે એવી શક્યતા નકારી કઢાતી નહોતી.