
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી ખેડૂતોને હજી સુધી વળતર ન મળતા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની અલગ અલગ માગણીને લઈને કિસાન સંઘે સુત્રોચ્ચાર કર્યા હતા. કપાસની સીસીઆઈ દ્વારા ખરીદીને લઈને કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વીમા કંપની સામે સરકારે કોઈ પણ પ્રકારના પગલા ભર્યા નથી
કિસાન સંઘે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની અંદર વીમા કંપનીઓ ઘણા વર્ષોથી કરોડો રૂપિયાનું પ્રિમિયમ લઈ ઘર ભેગી થઈ ગઈ છે. જેની સામે સરકારે કોઈ પણ પ્રકારના પગલા ભર્યા નથી. આ વર્ષે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેના નિયમ મુજબ આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડવા છતાં કોઈ પણ ખેડૂતને આ યોજનાનનો લાભ મળ્યો નથી. હેક્ટર દિઠ 20 હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને નુકસાન પેટે વળતર ચૂકવવાની સ્પષ્ટ જોગવાઈ છે. તેના નિયમ મુજબ ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર બે ઈંચ કરતા વધારે વરસાદ પડશે તો તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવશે. પરંતુ હજી સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી.
મગફળીના ઉતારામાં વધારો કરવા અને ભેજના ટકામાં વધારો કરવા માંગ
સૌરાષ્ટ્રના બધા તાલુકામાં મામલતદારને અને દરેક જિલ્લામાં કલેક્ટરને તેમજ ધારાસભ્યો અને સંસદસભ્યોને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કપાસની ખરીદી વહેલી ચાલુ થાય તેમજ મગફળીમાં ઉતારામાં ઘટાડો અને ભેજમાં વધારો થાય, ગામડે નડતા પશુઓનો નિકાલ કરવો તેવી અન્ય માગણીઓ સાથે ભારતીય કિસાન સંઘના દરેક કાર્યકર્તાઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સરકારે આ વર્ષે મગફળીના ઉતારામાં 10 ટકાનો ઘટાડો કરવો જોઈએ
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ વર્ષે અતિવૃષ્ટીના કારણે મગફળીની ક્વોલિટી નબળી થવાના કારણે આ વર્ષે મગફળીનો ઉતારો ઓછો આવશે. આથી સરકારે ટેકાના ભાવની ખરીદીમાં ઉતારાની અંદર 10 ટકાનો ઘટાડો કરવો જોઈએ. તેમજ મગફળીમાં ભેજનું પ્રમાણ 8 ટકા નક્કી કરવામાં આવ્યું છે તે વધારીને 10 ટકા કરવું જોઈએ.