દ્વારકાના લાલસીંગપુર ગામની પરિણીતાને સાસરીયાઓનો સીતમ : જાનથી મારી નાખવાની ધમકી

GUJARAT 24 NEWS –જામખંભાળીયા: દ્વારકા તાલુકાના લાલસીંગપુર ગામે રહેતી અને ટપુભા વિરાભા કેરની ૨૩ વર્ષીય પુત્રી સુનિતાબેનને તેણીના એક વર્ષના લગ્નગાળા દરમિયાન છેલ્લા કેટલાક સમયથી સુનિતાબેન સગર્ભા અવસ્થામાં હોવા છતાં પણ તેણીના સાસરીયાઓ દ્વારા તેની પાસે નોકરાણી જેટલું કામ કરાવી અને તેણીના સુરજકરાડી ખાતે રહેતા તેણીના પતિ દેવેન્દ્ર ફોગાભા માણેક દ્વારા તેણીને કરિયાવર બાબતે માનસિક ત્રાસ ગુજારી અને બિભત્સ ગાળો કાઢી હતી.
એટલું જ નહિ, તેણીના પતિ ઉપરાંત સસરા ફોગાભા અમરસંગભા માણેક, સાસુ હીરાબાઈ, તથા નણંદ મિતલબેન ઉપરાંત ભીમરાણા ગામના ભાવનાબેન રવાભા કેર દ્વારા પણ ચડામણી કરીને બીભત્સ ગાળો કાઢી અને છૂટાછેડા કરી નાખવાના ઈરાદે ત્રાસ ગુજાર્યો હતો. આ ઉપરાંત પરિણીતાના પતિએ તેણીના ભાઈને ફોન કરીને કહે કે તારી બહેનને લઈ જા, નહિતર તેની લાશ મળશે કેમ કહી ધમકી આપ્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
સમગ્ર પ્રકરણ અંગે મહિલા પોલીસે પતિ સહિત પાંચેય સાસરિયાઓ સામે આઇ.પી.સી. કલમ ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ વિગેરે મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.