
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના મવડી વિસ્તારમાં હરિઓમ નેચરોથેરાપી સેન્ટરના ઓથા હેઠળ ચાલતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ તેમજ ગર્ભપાતના ધંધાનો પર્દાફાશ કર્યો છે.
મીડિયા સાથે વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ પોલીસ ઇન્સ્પેક્ટર અસ્લમ અંસારીએ જણાવ્યું હતું કે, ”અમારી ટીમના માણસોને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે મવડી વિસ્તારમાં આવેલ હરિઓમ નેચરો થેરાપી સેન્ટરના ઓઠા તળે સોનોગ્રાફી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી તે બાબતનું જાતીય પરીક્ષણ કરી આપવામાં આવે છે તો સાથે જ જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.”
”જે અંતર્ગત અમારી ટીમ દ્વારા ડમી ગ્રાહક બનાવીને હરીઓમ નેચરો થેરાપી સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓએ પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ ડમી ગ્રાહકને સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ કરવાના 12000 રૂપિયા તેમજ ગર્ભપાત કરવાના 20,000 રૂપિયા લઈ કામગીરી કરી આપવાની તૈયારી બતાવતા પોલીસે ઘટના સ્થળ પરથી ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.”