દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ સાત નવા કેસઃ ડીસ્ચાર્જ શૂન્ય…

દર દસ દિવસે ફરજિયાત સ્ક્રીનીંગનો આદેશઃ…
દ્વારકા જિલ્લામાં ગઈકાલે નવા સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. એક પણ દર્દી ડીસ્ચાર્જ થયા નથી. દ્વારકામાં બે, કલ્યાણપુરમાં બે તથા ખંભાળિયામાં ત્રણ મળી કુલ સાત વ્યક્તિ કોરોનાગ્રસ્ત થઈ છે.
નંદાણાના ભૂપતસિંહ વાઢેર (ઉ.વ. ૩ર), ભાટિયાના પરેશ નકુમ (ઉ.વ. ર૯), ખંભાળિયાના વિટુબેન ખાણધર (ઉ.વ. ૮ર), કિરીટભાઈ કછટિયા (ઉ.વ. ૩પ), વનિતાબેન નકુમ
(ઉ.વ. ૪૯), ઓખાના અનિલભાઈ નિમાવત તથા દ્વારકાના નિરવ ધોકાઈના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જિલ્લામાં નવા અઢાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
સ્ક્રીનીંગ ફરજિયાત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ સુપર સ્પ્રેડર દ્વારા વધી વધી રહ્યું હોય, જિલ્લા કલેક્ટરે જિલ્લા આરોગ્ય અધિકારીને દર દસ દિવસે ફરજિયાત સ્ક્રીનીંગ કરાવવા આદેશ કર્યો છે. અનાજ કરિયાણા, વાણંદ, સુથાર, લુહાર, લારી-ગલ્લાવાળા, પાનવાળા, હોટલ રેસ્ટોરન્ટવાળાઓના દર દસ દિવસે સ્ક્રીનીંગ કરાવી તેના હેલ્થ કાર્ડ, રજિસ્ટર નિભાવવાની સૂચના આપી છે. જિલ્લામાં ધન્વન્તરિ રથ તથા પ્રા.આ. કેન્દ્રો દ્વારા દરરોજ ૮૦૦ જેટલા ટેસ્ટીંગ થઈ રહ્યા છે.
રજા રિપોર્ટની જરૃર નથી
જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા શિક્ષકોને ફરજિયાત રજા રિપોર્ટના પરિપત્ર અંગે અગ્રણી શિક્ષણકાર હિતેન્દ્રભાઈ આચાર્યએ જિ.શિ.ને રજૂઆત કરતા જે શિક્ષકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે તેમને રજા રિપોર્ટની જરૃર નથી. તેમણે કન્ટેન્ટમેન્ટ ઝોનના જાહેરનામા-તારીખ સાથે જાણ કરવાની રહેશે. બહારગામ ગયેલા અને ત્યાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રોકાઈ ગયા હોય તેવા શિક્ષકોએ રજા રિપોર્ટ મૂકવાનો રહેશે.
સારવારમાં ઢીલાશથી કોરોનામાં મરણ
ખંભાળિયામાં રહેતા અરવિંદભાઈ વ્યાસને શરદી-ઉધરસ, તાવ હોવા છતાં ઘરે દવા લીધે રાખી હતી. અંતે તબિયત લથડતા ૧૦૮ માં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ગઈકાલે તેમનું મૃત્યુ થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોની ટેસ્ટીંગ-સારવારમાં બેદરકારીના કારણે મૃત્યુ નિપજવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. આ અગાઉ કલ્યાણપુર તાલુકાના એક દર્દીનું પણ પોરબંદર, ખંભાળિયા અને ત્યારપછી જામનગર ગયા હતાં જ્યાં મરણ થયું હતું.