ખંભાળીયામાં કોરોનાને દેશવટો આપવા આજથી દસ દિવસ ઉકાળા-નાસ આપવાનો સેવાયજ્ઞ શરૂ

સેવાભાવી સંસ્થાઓ દ્વારા 21 સ્થળો નક્કી કરી પચાસથી વધુ કાર્યકરોને મેદાનમાં ઉતારાયા
જામખંભાળીયા: ખંભાળિયા શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા અને કોરોના મહારોગની મહામારીથી લોકોને બચાવવા ખંભાળિયા શહેર સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો, સામાજિક સંસ્થાઓ, વિગેરે 50 જેટલા કાર્યકરોની ટિમ દ્વારા આજરોજ શુક્રવારથી તા. 20 સુધી દરરોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી શહેરમાં 21 જેટલા સ્થળોએ સ્ટોલ ઉભા કરી, લોકોને આયુર્વેદિક ઉકાળા અને વરાળથી નાસ આપવા માટેના સેવાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના રામનાથ સોસાયટી, પોર ગેઈટ,જોધપુર ગેઈટ, જલારામ મંદિર, નગર ગેઇટ, સતવારા વાડ, પરેશ ટ્રેડિંગ પાસે, સ્ટેશન રોડ, ગાંધી ચોક, બંગડી બજાર, વ્હોરા વાડ, અતુલભાઈ સોનીના ઘર પાસે, ગુજરાત મિલ પાસે, શિવમ સોસાયટી, ખામનાથ મંદિર પાસે, માંડવી ચોક, રેલવે સ્ટેશનપાસે, તિરૂપતિ સોસાયટી, ચારરસ્તા, હરસિધ્ધિનગર, પઠાણ પાડો, વિગેરે વિવિધ વિસ્તારોમાં આ સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે.
લોકો આ વિનામૂલ્યે સેવાયજ્ઞનો મોટા પ્રમાણમાં લાભ લઈ શકે, તે માટેનું આ સુચારુ આયોજન કાબિલે દાદ બની રહ્યું છે. આ સેવાયજ્ઞ માટે પચાસથી વધુ સેવાભાવી યુવાનો પરેશભાઈ મહેતા, નિલેશભાઈ કુંડલીયા, હસમુખભાઈ ધોળકિયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, દીપકભાઈ ચોક્સી, દિવુભાઈ સોની, જયેશભાઇ ગોકાણી, વિનુભાઈ બરછા (ઘી વારા), ધીરેનભાઈ બદીયાણી, પરબતભાઇ ગઢવી, જયેશભાઇ કણઝારીયા, મિલનભાઈ વોરીયા, દિલીપસિંહ ચાવડા, અશોકભાઈ કાનાણી, ડો. સાગર ભૂત, ડો. પડિયા, ઈમ્તિયાઝખાન પઠાણ, યુનુસ દારૂવારા, વનરાજસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ વાઢેર, સંજયભાઈ બથિયા, જીતુભાઈ નકુમ, ભીખુભા જેઠવા, નીરજ કાકુ, નીરવ કવૈયા, પુનિત તન્ના, કિરીટભાઈ મજીઠીયા, હિતેન્દ્રભાઇ આચાર્ય, મહેન્દ્રભાઈ જોષી, મિલનભાઈ સાયાણી, રાકેશભાઈ દાવડા, અતુલભાઈ દાવડા, જીજ્ઞેશભાઇ પરમાર, વિજયભાઈ કટારીયા સહિતના કાર્યકરો પોતાની સેવા આપશે.
સ્થાનિક તંત્રના સહયોગ વગર યુવાનો- કાર્યકરોનો સેવા માટે અદમ્ય જોશ
જીવલેણ સાબિત થઈ રહેલી કોરોના મહામારીમાં તંત્ર દ્વારા કરાતા પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. જેથી ખંભાળિયાના પ્રબુદ્ધ સેવાભાવીઓ દ્વારા આ પડકારને સ્વૈચ્છિક રીતે ઝીલી લઈને કોઈપણ પ્રકારના તંત્રના સહયોગની આશા વગર સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે આ વિરાટ શ્રમયજ્ઞનો પ્રારંભ થયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મહત્વની એવી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસોમાં દરરોજ ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ, તથા ગરમ નાસ આપવાના આ હોંશભેર હાથ ધરાયેલા સેવાકાર્યમાં યુવાનો કાર્ય કરો તથા વિવિધ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્વૈચ્છિક રીતે જુદી જુદી ટીમો બનાવી અને દરરોજ અવિરત રીતે સેવા કરવામાં આવનાર છે. હાલની વિકટ પરિસ્થિતિમાં નગરજનોના સ્વાસ્થ્ય સાથે સરકારને પણ સહાયભૂત થવાના આ સુંદર અને નક્કર આયોજન અન્ય શહેરીજનો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.