ખંભાળીયામાં 21 સ્ટોલો ઉભા કરી લોકોને ઉકાળા અને માસ્કની સેવાનો આરંભ

કોરોનાને મ્હાત આપવા જાણે ખંભાળિયામાં નવા અધ્યાયનો પ્રારંભ થયો હોય તેમ આ મહામારીની વિકટ પરિસ્થિતિમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો – આગેવાનોએ શુક્રવારથી શરૂ કરેલા ભગીરથ સેવા યજ્ઞમાં 21 સેવા સ્ટોલ પર પ્રથમ દિવસે ખંભાળિયા શહેર તથા તાલુકાના આશરે આઠ હજારથી વધારે ભાઈઓ- બહેનોએ ઉકાળા અને નાસનો લાભ લીધો હતો. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા.
સેવા યજ્ઞમાં જોડાયેલી વિવિધ ટિમ સાથે ભાવેશભાઈ દત્તાણી, ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા, શલેષભાઈ કણજારીયા, ધીરુભાઈ ટાકોદરા, કુંજનભાઈ રાડીયા, હાર્દિક મોટાણી, ડો. તુષાર ગોસ્વામી, ચન્દ્રકાન્ત ખત્રી (કાકુભાઈ), માનભા જાડેજા, હેતાભાઈ ગોકાણી, ભાર્ગવ શુકલ, સુરપાલસિંહ ચુડાસમા, નિકુંજ વ્યાસ, મહેશભાઈ રાડીયા, નિખિલ વાડોલીયા, રેખાબેન ખેતિયા, દીપકભાઈ રાઠોડ, પારસ રાઠોડ, અર્જુનસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ જોશી, અશોકભાઈ નકુમ, મુકેશભાઈ કણજારીયા, વિપુલભાઈ કોટેચા, ચેતન નડિયાપરા, મયુર ગુસાણી, રાકેશ દાવડા, હિતેશ કુંડલિયા, અતુલભાઈ સોની, હર્ષદભાઈ ગઢવી, અમિત જોશી, જ્યુભા પરમાર, પારસ ખેતિયા, જયેશ જોશી, હસુભાઈ સરપદડીયા, પુનિત તન્ના, બાબુભાઈ પ્રિન્સ વિગેરે સાથેની ટિમના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી સેવાયજ્ઞ સફળ બનાવી રહ્યા છે.
આ ભગીરથ સેવાયજ્ઞમા આયુષ વિભાગના જિલ્લા આર્યુવેદીક અધિકારી ડો.વિવેક શુકલા, મેડિકલ ઓફિસર ડો.કશ્યપ ચૌહાણ, જનરલ હોસ્પિટલના હોમીઓપેથી મેડિકલ ઓફિસર ડો.મીરાબેન ચાવડા, તથા તેમની ટિમ દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ ઉકાળા સાથે ખૂબ જરૂરી માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે. આ વિનામૂલ્યે સેવાકાર્ય તા. 20 સુધી ચાલુ રહેશે
સહાયભૂત થવા માટે નગરપાલિકા તંત્ર પાણીમાં બેસી ગયું
કોરોના મહામારી સામે બાથ ભીડવા તમામ લોકો તથા તંત્ર મહત્તમ રીતે સેવા કાર્યો તથા સેવાભાવીઓ માટે તત્પર રહે છે, ત્યારે આયોજન પૂર્વેે કાર્યકરો દ્વારા નગરપાલિકા તંત્રને સહાયભૂત થવા માટે અપીલ કરાઈ હતી. અને તેની પ્રાથમિક મંજૂરી પછી કોઈ ચોક્કસ કારણસર નગરપાલિકાના સત્તાવાહકો પાણીમાં બેસી ગયા હતા અને કોઈપણ રીતે સહાયભૂત થવા અસમર્થતા દર્શાવી હતી. પાલિકાની આ નીતિરીતિથી ઉત્સાહ સાથે દોડતા કાર્યકરોમાં રોષ સાથે કચવાટની લાગણી પ્રસરી છે.