મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલનો બીજો દિ’ : રો-મટીરીયલ્સના વાહનો પણ જોડાશે

સિરામિક ઉદ્યોગે નુકસાની મામલે કોઇ નિર્ણય ન કરતા ટ્રાન્સપોર્ટરો લાલઘુમ
મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રોડકટ પરિવહન સમયે થતી નુકશાની મામલે ઉદ્યોગે ટ્રાન્સપોર્ટરો પર જવાબદારી ઢોળી નાખી હોય અને ટ્રાન્સપોર્ટરો પણ નુકશાની મુદે જવાબદારી સ્વીકારવા તૈયાર ના હોય બંને પક્ષે ગજગ્રાહની સ્થિતિ વચ્ચે હડતાલ કરવામાં આવી છે. જેમાં આજે બીજા દિવસે પણ ટ્રાન્સપોર્ટરોએ હડતાલ યથાવત રાખી હતી.
ભારે વરસાદથી સ્ટેટ અને નેશનલ હાઈવે ધોવાઇ ગયા હોય અને રોડ રસ્તાની હાલત દયનીય બની હોય જેથી માલ પરિવહન સમયે સિરામિક પ્રોડકટમાં નુકશાન થતું હોય જેની નુકશાની ટ્રાન્સપોર્ટરોના શિરે નાખવામાં આવી હોય અને ટ્રાન્સપોર્ટરો નુકશાની મામલે જવાબદારી લેવા તૈયાર નથી ખરાબ રોડ રસ્તાને પગલે ડેમેજની શકયતા વધી જતી હોવાનું જણાવીને ટ્રાન્સપોર્ટ એસો દ્વારા સિરામિક ઉદ્યોગને પત્ર લખી આ મામલે યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું. જોકે સિરામિક એસો કોઈ નિર્ણય કર્યો ના હોય જેથી ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે જે હડતાલ આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી માલ નુકશાની થવાથી વેપારીઓ ટ્રક ભાડામાંથી કપાત કરતા હોય જેનો ટ્રાન્સપોર્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે તો માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવા ટ્રાન્સપોર્ટ એસો દ્વારા હડતાલના પ્રથમ દિવસે જ કહી દેવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં રો મટીરીયલ્સ અને કન્ટેનરો પણ હડતાલમાં જોડાય તેવી શકયતાઓ જણાઈ રહી છે.