લકઝરી બસોમાં દારૂ બિયરને પાર્સલ તરીકે મોકલી હેરાફેરી..

હિંમતનગર ચિલોડા પોલીસે લકઝરી બસમાં ભરેલા પાર્સલોની તપાસ કરતાં એકમાંથી બિયરના ર૪ ટીન મળી આવ્યા બે સામે ગુનો…
ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર પોલીસ દ્વારા વાહનોને ઉભા રાખી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વાહનચેકીંગ દરમ્યાન એક લકઝરી બસના પાર્સલો તપાસ કરતાં તેમાંથી બિયરના ર૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે આ બિયર જપ્ત કરીને પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધ્યો છે.

હાઈવેમાર્ગો ઉપર પોલીસના પેટ્રોલીંગ અને ઓચિંતા વાહન ચેકીંગના કારણે બુટલેગરો દારૂની હેરાફેરી માટે અંતરિયાળ માર્ગોનો ઉપયોગ કરી રહયા છે તો નવા કીમિયા તરીકે બુટલેગરોએ વિવિધ પાર્સલોમાં દારૂને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પહોંચતો કરવાનું શરૂ કર્યું છે.જે બસમાં પોલીસે મુસાફરોના સામાન તપાસ્યા હતા તો લકઝરી બસની ડેકીમાં રાખવામાં આવેલા પાર્સલોની પણ તપાસ કરી હતી.પોલીસે આ પાર્સલ ખોલીને જોતાં તેમાં બિયરના ર૪ જેટલા ટીન પેક કરેલી હાલતમાં મળી આવ્યા હતા.
જેથી ૩૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બિયર મોકલનાર વિષ્ણુ અને પાર્સલ મેળવનાર અમદાવાદના દિપક સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. કંડકટરે બન્ને આરોપીઓના મોબાઈલ નંબર આપ્યા છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.