અલ્પ ટ્રાફિક વચ્ચે રાજકોટથી ભાવનગર, ભુજ, દિવની બસોનો આજથી પ્રારંભ, મુસાફરોનું કરાશે સ્કેનિંગ

સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેરએ આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રનું પાટનગર ગણાતું હોવા છતાં અહીં કોરોનાની વ્યાપક અસર થઈ હોવાથી મોટાભાગના ધંધા રોજગાર થપ્પ થઈ ગયાં છે. એસટી બસ સ્ટેન્ડ એક સમયે રાત દિવસ મુસાફરોથી ધમધમતું રહેતું હતું. પરંતુ બસ સ્ટેન્ડ સુમસામ બની ગયાં છે. મોટાભાગની એસટીઓ ખાલીખમ દોડી રહી છે. ત્યારે એસટી તંત્ર દ્વારા તા. 11થી વોલ્વો અને સ્લીપર કોચ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ રૂટ ઉપર દોડશે બસો
સમગ્ર સૌરાષ્ટ્રના કેન્દ્રમાં આવેલા રાજકોટ શહેરમાં દરરોજ એસ.ટી. તંત્રની ૧૮૦૦ બસોનું જ્યાં આવાગમન રહેતું હતું. તેની સાપેક્ષમાં અત્યારે એસ.ટી. તંત્રની અડધી બસો કોરોનાને કારણે બંધ છે. જે એસ.ટી. બસો ચાલુ છે. તેમાં પણ પુરતા પ્રમાણમાં મુસાફરો મળતા નથી. રાત્રિ દરમિયાન મોટાભાગની એસ.ટી. બસો ખાલીખમ્મ દોડતી હોય છે. આ સ્થિતિમાં રાજ્યભરમાં આવતીકાલ તા. 11થી એસ.ટી. તંત્રે વોલ્વો અને સ્લીપર બસ શરૂ કરવાનો નિર્ણય કરતા રાજકોટથી ભાવનગર – દિવ અને ભુજની સ્લીપર બસો આવતીકાલ તા. ૧૧થી શરૂ થશે.
એસટી ડિવિઝનને 150 થર્મલગનની ફાળવણી
દરમિયાન એસ.ટી. ડિવીઝનના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી. ડિવીઝનને ૧૫૦ થર્મલગનની ફાળવણી થતાં ગ્રામીણ રૂટોની એસ.ટી. બસો ચાલુ કરી દેવામાં આવી છે. થર્મલગન દ્વારા મુસાફરોનું ટેસ્ટીંગ કરીને પરિવહન માટેની છૂટ આપવામાં આવી છે. પરંતુ ગામડામાંથી આવતી મોટાભાગની એસ.ટી. બસો ખાલી હોય છે. એસ.ટી. તંત્રની માફક ખાનગી ટ્રાવેલ્સના ધંધાર્ઓથીને પણ મુસાફરો મળતા નહીં હોવાથી રાત્રિ દરમિયાન દોડતી અનેક બસો કેન્સલ કરવામાં આવી છે.