
લોકડાઉન બાદ છેલ્લા છ મહિનાથી બંધ રહેલું રાજકોટ રેલવે સ્ટેશન ધીમે ધીમે અનલોક થયું છે. તાજેતરમાં જ લાંબા અંતરની ટ્રેન રેલવે પ્રશાસને શરૂ કરતા યાત્રિકોનો ધસારો પણ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન બંધ રહેલી પેસેન્જર ટ્રેન પણ હવે પાટે ચડવા લાગી છે. રાજકોટથી દરરોજ બે અને સપ્તાહમાં 26 જેટલી ટ્રેન રાજકોટથી પસાર થઇ રહી છે. રાજકોટ સ્ટેશનથી રોજ એવરેજ 1000 જેટલા યાત્રિકો જુદી જુદી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.
રાજકોટ રેલવે સ્ટેશન પર હવે નિયમિત રીતે યાત્રિકોની ચહલપહલ શરૂ થતા રેલવે સ્ટેશન ફરી ધમધમવા લાગ્યું છે. રાજકોટથી સોમનાથ જબલપુર અને ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટ થઇને દરરોજ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાયની 7 જેટલી ટ્રેન સપ્તાહમાં એક કે બે વખત દોડાવવામાં આવી રહી છે. રાજકોટથી મુંબઈ, સિકંદરાબાદ, હાવડા, પુરી, દિલ્હી અને ગોરખપુર સહિતના લાંબા રૂટ પર હવે ટ્રેન નિયમિત દોડાવવામાં આવી રહી છે.