
રીંગરોડ ઉપર બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક ઉપર પાર્કીંગ થતા હોવાનું તેમજ અન્ય દબાણો ખડકાઈ ગયેલા હોવાની જાણકારી મળતા કમિશનર દબાણ હટાવ વિભાગના કાફલા સાથે રીંગરોડ ઉપર ત્રાટકયા હતા.
9.2 કિલોમીટરના 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ સાયકલ ટ્રેકની સાફસફાઈ શરુ કરી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખુદ કમિશનરે અધિકારીઓ સાથે ચેકીંગ હાથ ધરી 15 બાઈક, 45 કાર, ટ્રક સહિતના દબાણો હટાવી રૂા.1.60 લાખનો દંડ વસુલાયો હતો.
સાયકલ ફોર ચેન્જ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં રાજકોટ મહાનગરપાલીકાએ સૌ પ્રથમ પ્રોજેક્ટની શરુઆત કરી છે. જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર BRTS ની બાજુમાં આવેલ 9.2 કિલોમીટરનો સાયકલ ટ્રેક ફરી વખત શરુ કરવા માટે ટ્રેક ઉપર થયેલ દબાણો દુર કરવાની કાર્યવાહી તેમજ મનપામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સપ્તાહમાં એક દિવસ સાયકલ લઇને કચેરી આવે તથા રાજમાર્ગો ઉપર 42 કિલોમીટરનો નવો સાયકલ ટ્રેક બનાવવા સહિતના પગલાઓ લીધા છે.

150 ફુટ રીંગ રોડ ઉપર સર્વિસ રોડની બાજુમાં વર્ષો પહેલા સાયકલ ટ્રેક બનાવવામાં આવેલ પરંતુ સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક ઉપર દબાણો દૂર કરવામાં મનપાનું દબાણહટાવ વિભાગ ઉણું ઉતર્યું છે. આજ સુધી લોકો સાયકલ ટ્રેક કે સર્વિસ રોડનો ઉપયોગ કરી શકતા નથી.
અમુક કારમેળા વાળા તેમજ ટ્રક સહિતના મોટા વાહનો કાયમી ધોરણે સાયકલ ટ્રેક ઉપર પાર્ક થયેલા લોકો વર્ષોથી જોઇ રહ્યા છે. આથી કમિશનરે પ્રથમ સાયકલ ટ્રેક ખુલ્લો કરવા દબાણ હટાવવાની કાર્યવાહી શરુ કરી છે. સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સાયકલ ફોર ચેન્જ અંતર્ગત કમિશનરે આદેશ કરતા ફરી વખત 150 ફુટ રીંગ રોડ ઉપરના દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.