રાજકોટ: કોર્પોરેટર અતુલ રાજાણીના પરિવારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ: હોમ આઇસોલેટ

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૩ના કોંગ્રેસી કોર્પોરેટર અને વિપક્ષના દંડક તેમજ સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સના પ્રેસિડેન્ટ અતુલ રાજાણી અને તેમના પરિવારના ત્રણ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ તેમના તક્ષશિલા સોસાયટી સ્થિત નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થયા હોવાનું જાણવા મળે છે. સ્થળ પર જઇને લોકપ્રશ્નો ઉકેલવાના અભિગમથી ૧૦૮ તરીકે જાણીતા બનેલા કોર્પોરેટર અતુલ રાજાણી લોકડાઉન વખતથી દિવસ રાત જોયા વિના તેમના મત વિસ્તાર વોર્ડ નં.૩માં લોકસેવા કરી રહયા હતા તે દરમિયાન કોઇ પોઝિટિવ કેસ દર્દીના સંપર્કમાં આવી જતા સંક્રમિત થયાનું પ્રાથમિક અનુમાન થઇ રહ્યું છે.
વિશેષમાં કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે ગઇકાલે તેમને એકાએક તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાતા પ્રાઇવેટ લેબોરેટરીમાં પોતાનો તેમજ પત્ની રૂપલ અને પુત્રી રિધ્ધી સહિત ત્રણેયનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ત્રણેયનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો જેથી તક્ષશિલા સોસાયટી સ્થિત નિવાસ સ્થાને જ હોમ આઇસોલેટ થઇ ગયા છે અને પ્રાઇવેટ હોસ્પિટલનું પેકેજ લઇ ઘરે જ સારવાર લઇ રહ્યા છે.