
- આગમી પાંચ દિવસ સુધી પડી શકે છે મુશળધાર વરસાદ
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ
- છેલ્લા થોડા દિવસોમાં ફરી ભારે તડકા અને બફારાથી લોકો કંટાળી ગયા હતા
આ ચોમાસામાં ગુજરાતમાં પૂરતો વરસાદ પડી ગયો છે અને અમુક જગ્યાએ તો અતિવૃષ્ટિ પણ જાહેર કરી દેવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. એવામાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા રજાના મૂડમાં હતા. અને એ છેલ્લા થોડા દિવસોમાં ફરી ભારે તડકા પડ્યા હતા અને સાથે જ એ બફારાથી લોકો કંટાળી ગયા હતા.

હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદ વરસી શકે છે.ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ ના વિસ્તારોમાં તારીખ 10-11 ના ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

12 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગનું કહેવું છે. જો કએ આ દરેક જગ્યાએ આવતીકાલથી વરસાદી માહોલ રહેશે. ગઇકાલે અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ સુધી વરસાદી પાણી સુકાયા નથી એવામાં ફરી મુશળધાર વરસાદ વરસી શકે એવી શક્યતાઓ છે.