ગુજરાત

અર્ધા ગુજરાતમાં વરસાદ : ખેડૂતોના જીવ અધ્ધર

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થતાની સાથે જ ખેડૂતોના જીવ ઉંચા થયા છે. સામાન્ય-હળવા વરસાદમાં વાંધો નહીં આવે પરંતુ જોર વધુ રહે તો ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ છે. મગફળી ઉપરાંત કપાસ, કઠોળ, તલ સહિતના ખરિફ પાકને ઉત્પાદનના ચિત્રો બદલાઈ શકે છે.

નૈઋત્ય ચોમાસુ આ વર્ષે લંબાયું છે. અર્ધો સપ્ટેમ્બર વિતવા છતાં હજુ વિદાયના કોઇ સંકેતો નથી. વિપરીતપણે નવા રાઉન્ડની આગાહી થઇ છે. અત્યાર સુધીના સારા-સંતોષકારક વરસાદથી બમ્પર પાકના ઉત્પાદનના અંદાજ મૂકવામાં આવતા હતા પરંતુ હવે નવો રાઉન્ડ નુકશાની સર્જી શકે છે. હવામાન નિષ્ણાંતોએ મોટાભાગે ત્રણ ઇંચ સુધીના અને ક્યાંક પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકવાની આગાહી કરી છે. જ્યારે કૃષિ ક્ષેત્રના જાણકારોના મતે એકસામટો ભારે વરસાદ વરસે તો ખેતીને નુકશાન થાયતેમ છે. ઓગસ્ટમાં આખો મહિનો વરસેલા વરસાદે અનેક ભાગોમાં નુકશાન કર્યું છે તે વધી શકે છે.

કૃષિક્ષેત્રના જાણકાર તથા મગફળીના વેપાર સાથે સંકલાયેલા ડાયાલાલ કેસરીયાએ કહ્યું કે એક-દોઢ ઇંચ જેવો હળવો વરસાદ થાય તો ખેતીને કોઇ વાંધો નહીં આવે પરંતુ ભારે વરસાદ નિશ્ર્ચિતપણે નુકશાની કરાવશે. મગફળીને લાગવળગે છે ત્યાં સુધી હળવદ સહિતની લાઈનોમાં મગફળી પાકને આરે છે. અર્થાત ઉતારવાને તબક્કે છે એટલે તેને ઘણું નુકશાન થઇ શકે.

‘સોમા’ના પ્રમુખ સમીર શાહે પણ એવો જ સૂર દર્શાવતા જણાવ્યું હતું કે જીણી મગફળીને વધુ નુકશાન થવાનું જોખમ રહેશે. વરસાદ ભારે થાય તો જાડી મગફળી માટે પણ સમસ્યા થઇ શકે. કઠોળને પણ વરસાદી નુકશાન થવાનું સ્પષ્ટ છે. તલને તો અગાઉ ઘણું નુકશાન થઇ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશન પ્રમુખ ભરત વાળાએ કહ્યું કે કપાસ માટે પણ હાલત ખરાબ જ થઇ શકે છે. ઓગસ્ટ મહિનાના વરસાદમાં પ્રથમ વીણી સાફ થઇ ગઇ હતી. ઉના-અમરેલી સહિતની લાઈનોમાં ઘણું નુકશાન થયું છે. ભારે વરસાદનો રાઉન્ડ આવે તો બીજી વીણી માટે પણ જોખમ ઉભું થાય. મગફળીના વાવેતર વધારાથી કપાસને અસર હતી જ હવે વરસાદી નુકશાન વધારાનો ફટકો મારી શકે છે.

દરમ્યાન રાજ્યમાં આજે સવારે પૂરા થયેલા ચોવિસ કલાકમાં અર્ધોઅર્ધ ભાગમાંહળવો-ભારે વરસાદ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ પ્રમાણે 176 તાલુકામાં હળવો-મધ્યમ વરસાદ હતો. સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સાબરકાંઠાના તલોદમાં પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 1027.19 મીની થઇ ચૂક્યો છે તે ટકાવારીની દ્રષ્ટિએ 123.61 ટકા થવા જાય છે. 18 તાલુકાઓનેબાદ કરતાં રાજ્યનાં તમામ તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચોવિસ કલાકમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ થયો હતો. આ સિવાય ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા તથા બોટાદના બરવાળામાં 4-4 ઇંચ વરસાદ પડ્યો હતો. નર્મદાના ભરુડેશ્વરમાં ત્રણ ઇંચ, વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં અઢી ઇંચ, પોસીનામાં અઢી ઇંચ વરસાદ મુખ્ય હતો. 13 તાલુકાઓમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ થયો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + 11 =

Back to top button
Close