
આણંદ નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પુરી થઈ રહી છે. પાલિકાની અંતિમ બોર્ડ બેઠક શનિવારે બપોરે ૧૨ કલાકે પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા અને ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. જેના એજન્ડાના ૫૩ જેટલા કામો બોર્ડ બેઠકમાં રજુ કરાતા જે બહુમતીના જાેરે મંજુર કરવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાનેથી એજન્ડાના અને વધારાના કામો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ પાસે બહુમતી હોવાથી માત્ર ગણતરીની મીનીટોમાં કરોડોના કામો મંજુર કરી દેવાયા. આ બેઠકમાં ૫૩ કામના એજન્ડા રજુ કરાયા. જેમાં શહેરમાં વિદ્યાનગર રોડ ઉપર તેમજ ગંગોત્રી પાર્કમાં તેમજ સોસાયટીઓ અને બિલ્ડીંગોમાં ગટર કનેકશનની સુવિધાઓ આપવા માટે ભુગર્ભ ગટર લાઈન તથા હાઉસ કનેકશન માટે ૪,૯૮,૮૫૭ રુપિયાનો ખર્ચની મંજુરી માટે તેમજ ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ચોમાસા દરમિયાન નુકસાન પામેલા રસ્તાના રીપેરીંગ અને રીસરફેસીંગના કામ માટે ૪,૯૭,૦૪,૦૦૦ ની ગ્રાન્ટના આયોજન માટે કામોની તાંત્રિક મંજુરી માટેનો ઠરાવ મંજુર કરાયો હતો. આણંદ શહેરમાં ડી. ઝેડ. પટેલ હાઈસ્કુલથી સરદાર પટેલ રાજમાર્ગ ક્રોસીંગ સુધીના રાજમાર્ગ પર રાત્રીના સમયે અંધારપટ રહેતો હોય આ માર્ગ પર સેન્ટર પોલ લાઈટીંગ કરવા માટે ૩,૫૨,૧૭૦ ના ખર્ચે સેન્ટર પોલ સ્ટ્રીટ લાઈટની મંજુરી માટેનો ઠરાવ. શહેરના શાસ્ત્રીબાગ, સીખોડ બાગ અને ટાઉન હોલ બાગમાં વોટરપ્રુફ ગાર્ડન સ્પીકર અને મ્યુઝીક સીસ્ટમ ફીટીંગ કરવા માટેના ઠરાવ તેમજ શહેરના સો ફુટ રોડ ઉપર રોયલ પ્લાઝા પાસે શાળા નં. ૨૫ માં બનાવેલા બાગની ફરતે વોકીંગ ટ્રેક બનાવવા માટે ૬,૦૫,૨૦૦ રુપિયાના ખર્ચે નિર્માણ કરવા માટેનો ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતા. તેમજ ટાઉન હોલ ત્રણ રસ્તા પાસે પંચાલ હોલ સુધી ડીવાઈડરની શોભા વધારવા માટે અને ટાઉન હોલ ચોકડીને એક લેન્ડમાર્ક જેવી ઓળખ આપવા માટે થ્રીડી ડીઝાઈનના ડ્રોઈંગ મુજબ ફુવારા બાગ બગીચા તેમજ ટાઉન હોલ ગાર્ડનમાં આધુનિક સીટીઈન્ફ્રોપોઈન્ટ જેમાં શહેરની ઈન્ફર્મેશન અને હીસ્ટ્રી જાણી શકાશે તેમજ આઈ લવ આણંદ સેલ્ફી પોઈન્ટમાં ફોટાઓ પડાવી શકાશે. અને આણંદ શહેર સાથેની યાદગીરી રાખી શકે તે માટે લેન્ડમાર્ક જેવો નિર્માણ કરવા પુજન જ્વેલર્સ દ્વારા પોતાના ખર્ચે પ્રોજેક્ટ ઉભો કરવા માટે દરખાસ્ત કરતા જેને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગામની ઉંડીશેરીમાં કાલી માતાની મંદિરની બાજુમાં ૭૩,૫૬૦ ના ખર્ચે લોખંડનો ગેટ બનાવી ફીટીંગ સહિતની કામગીરી માટેનો ઠરાવ મંજુર કરાયો હતો. જ્યારે વિપક્ષ દ્વારા આજે અંતિમ બોર્ડમાં વિવિધ સુત્રો લખેલા બેનરો ગળામાં લટકાવી સુત્રોચ્ચાર કરતા બોર્ડ બેઠકમાં આવ્યા હતા. અને બોર્ડ બેઠકમાં ગળામાં સુત્રો લખેલા બેનરો લટકાવી રાખ્યા હતા. જેમાં વિકાસથી વંચિત બાકરોલને સદંતર અન્યાય રોડ રસ્તાની હાલત બિસ્માર, પ્રજા ત્રાહિમામ આણંદ શહેર વિકાસથી વંચિત જવાબદાર છે. ગેરવહીવટી ભાજપની પાલિકા ભુગર્ભ ગટર વ્યવસ્થામાં નિષ્ફળ ભ્રષ્ટાચારી નગરપાલિકા સહિત વિવિધ સુત્રો લખેલા બેનરો ગળામાં લટકાવામાં આવ્યા હતા અને સુત્રોચ્ચાર કરી તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.