મોદીના ડ્રીમ પ્રોજેક્ટની તડામાર તૈયારીઓ: ફ્લોટિંગ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે

અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી ઓક્ટોબરની મુલાકાત યાદગાર બનાવવા માટે રાજ્ય સરકારના વિભાગો તૈયારી કરી રહ્યાં છે. PM મોદી સરદાર પટેલની જન્મ જ્યંતી નિમિત્તે કેવડિયા કોલોની આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની ઉડાન સી-પ્લેન મારફતે ભરશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી રહી છે, જે પાણીની વધ-ઘટ પ્રમાણે ઉપર નીચે થતી રહેશે. સાથે જેટી પર જવા માટેનો બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કેવડિયામાં એક જળાશયમાં વોટર એરોડ્રામ પણ બની રહ્યું છે. આ સ્થળે પાણીમાં મગરોની વસતિ હોવાથી તેમને ખસેડવાની અને સ્થળાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી ગોઠવ્યા પછી વે-બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજને UAE થી મુંદ્રા બંદરે લાવીને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પાસે જેટી લગાવવામાં આવી રહી છે. આ સ્થળે 15000 kg ના એન્કર નાંખવામાં આવ્યા છે. આ એન્કરને લોખંડની સાંકળથી બાંધીને સાબરમતી નદીમાં જેટી બનશે.

સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800-900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે. એક જેટી 9 મીટર પહોળી અને 24 મીટર લાંબી છે. તમામ જેટીનું વજન 102 ટન છે. ફિનલેન્ડની મરિન ટેક ઇન્ડિયા કંપની સી-પ્લેન તૈયાર કરી રહી છે. આ સ્થળે કુલ આઠ જેટી લાવવામાં આવી છે. આ વ્યવસ્થા કાયમી જાળવવામાં આવશે. જેથી પ્રવાસન હેતુ તેનો ઉપયોગ થઇ શકશે.