દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી..

ઓખા મંડળના મીઠાપુર નજીકના સુરજકરાડી બસ સ્ટેન્ડ પાસેથી જી.જે.8 વી. 6982 નંબરની ક્રુઝરમાં વધુ મુસાફરો ભરી, કોરોના અંગેના જાહેરનામા ભંગ કરવા સબબ આરંભડાના રહીશ કિરણ શિવદાન ગઢવી નામના 33 વર્ષના શખ્સ સામે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે કલ્યાણપુર નજીકના લીંબડી ચેકપોસ્ટ પાસેથી જી.જે. 10 ટી. એક્સ. 1186 નંબરની મોટરકારમાં નીકળેલા જામનગરના રહીશ દિવ્યરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નામના 22 વર્ષના યુવાન સામે પોતાની કારમાં સાત મુસાફરોને લઈને નીકળવા સબબ કલ્યાણપુર પોલીસે જાહેરનામા ભંગ સબબની ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાણવડ તાલુકાના મેવાસા ગામના રહીશ દેવાયત ઉર્ફે દેવા ધના ભાદરકા નામના 44 વર્ષના યુવાનને પોલીસે રાણપરડા ગામના પાટિયા પાસેથી રૂપિયા 15 હજારની કિંમતના જી.જે. 10 બી.એ. 6777 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા અને સુરજકરાડીના અશોક તુલસીભાઈ વાઘેલા નામના 26 વર્ષના યુવાનને 10 હજારની કિંમતના જી.જે. 10 બી. 931 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર કેફી પીણું પીધેલી હાલતમાં, જ્યારે આ જ વિસ્તારના રાહુલ કાનાભા પરમાર (ઉ.વ. 21)ને રૂપિયા 10 હજારની કિંમતના જી.જે.10 ડી.સી. 8264 નંબર મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા અને કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના વેજા ઉર્ફે ભોજા નારણ મકવાણા (ઉ.વ. 40) ને કેફી પીણું પીધેલી હાલતમાં મોટરસાયકલ પર નીકળતા સ્થાનિક પોલીસે ઝડપી લઈ આ ચાર ઈસમો સામે પોલીસે આઈ.પી.સી. કલમ 185 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.