
આજે ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મજયંતી છે. એકે આપણને અંગ્રેજોની વિરૂદ્ઘ લડવાનો રસ્તો દેખાડ્યો તો બીજા સાદગીના પ્રતિમાન બની ગયા. જન્મદિવસ પર બંને મહાન નેતાઓને દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ઘાંજલિ અર્પિત કરી. તેમણે બાપુને નમન કરતાં તેમની શિક્ષાઓને યાદ કરી. તો વિજય ઘાટ પર શાસ્ત્રીની સમાધિ પર તેમના બંને દીકરા શ્રદ્ઘાસુમન અર્પિત કરવા પહોંચ્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૧મી જયંતી છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને નમન કર્યા. આ દરમ્યાન અહીં જયંતીના અવસર પર ભજનનું આયોજન કરાયું.

આની પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ટ્વીટ કરતા બાપુને નમન કર્યા. પીએમ મોદીએ લખ્યું કે આપણે ગાંધી જયંતી નિમિત્તે વ્હાલા બાપુને નમન કરીએ છીએ. તેમના જીવન અને મહાન વિચારોમાંથી શીખવા જેવું ઘણું છે. બાપુના આદર્શ આપણને સમૃદ્ઘ અને કરૂણ ભારત બનાવવામાં માર્ગદર્શન કરતા રહેશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિજય ઘાટ પહોંચીને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ઘાંજલિ આપી હતી. લાલ બહાદુર શાસ્ત્રીની આજે ૧૧૬ મી જન્મજયંતી છે, આ પ્રસંગે વડાપ્રધાને તેમને પણ નમન કર્યા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહાત્મા ગાંધીની જન્મજયંતી પર તેમને નમન કર્યા. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને લખ્યું છે કે ગાંધી જયંતીના દિવસે કૃતજ્ઞ રાષ્ટ્રની તરફથી હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ઘા-સુમન અર્પિત કરું છું. સત્ય, અહિંસા અને પ્રેમનો તેમનો સંદેશ સમાજમાં સમરસતા અને સૌહાર્દનો સંચાર કરીને સમસ્ત વિશ્વને કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેઓ સંપૂર્ણ માનવતાના પ્રેરણા-સ્ત્રોત બનેલા છે.