અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાર ટ્રેનોમાં આવેલા યાત્રીકોમાંથી વધુ 41 કોરોના પોઝિટિવ કેસ મળ્યા..

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત સાતમા દિવસે પણ ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 2188 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 41 કેસો પોઝિટિવ મળ્યા હતા જેમા સૌથી વધુ હાવરા એક્સપ્રેસમાં આવેલા 17 કોરોના પોઝિટિવ કેસો નીકળ્યા હતા. આમ છેલ્લાં છ દિવસથી કોરોના પોઝીટીવ કેસમાં અગ્રેસર રહેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસને બ્રેક વાગી ગઇ હતી. અને આજે બીજા સ્થાને પહોંચી ગઇ હતી. રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના કેસો 16 મળી આવ્યા હતા.

બેદરકારી;
અમદાવાદ સ્ટેશને રોજ 14 ટ્રેન આવે છે, કોરોનાના ટેસ્ટ માત્ર 4 ટ્રેનમાં જ થાય છે.
શહેરમાં કોરોનાના દર્દીઓને શોધી કાઢવા મ્યુનિ.એ અન્ય રાજ્યોમાંથી શહેરમાં પ્રવેશતા લોકોનું કોરોના ટેસ્ટિંગ હાથ ધર્યું છે. પરંતુ અન્ય રાજ્યોમાંથી રોજ 13 થી 14 ટ્રેનો કાલુપુર રેલવે સ્ટેશને આવે છે. મ્યુનિ. હેલ્થ ટીમ ફક્ત ચાર ટ્રેન રાજધાની એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, મુજફ્ફરપુર – અમદાવાદ એક્સપ્રેસ અને ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસના પેસેન્જરોની જ તપાસ કરેે છે. જ્યારે આ ટ્રેનની સાથે જ જો કોઈ અન્ય ટ્રેન આવે તો તેમને ચેક કર્યા વગર સીધા બહાર જવા દેવામાં આવે છે.
રેલવે દ્વારા અમદાવાદની 14થી 15 ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનોમાં અન્ય રાજ્યમાંથી આવતા પેસેન્જરો દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સ્ટેશન પર પેસેન્જરોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ હેલ્થ વિભાગ દ્વારા દિવસ દરમિયાન આવતી ફક્ત ચાર ટ્રેનના પેસેન્જરોની જ તપાસ કરવામાં આવે છે.