
આ સેન્ટરોમાં કોરોના ન ફેલાય તે માટે જરૂરી કાળજી લેવાનો અભાવ જણાતા સરકાર ચોંકી ઉઠી : ડીસ્પોઝેબલ ચાદર અને વારંવાર સેનેટાઈઝ કરવા સહિતની તાકીદ કરાશે
રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ એસ. રવિએ તાત્કાલીક અસરથી રાજયભરમાં આવેલા સી.ટી. સ્કેન સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈ દર્દીઓની સુરક્ષાની અને કોવિડ સંક્રમણ ફેલાય નહિં તેની તપાસ કરવાના આદેશ આપ્યા છે. રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરશ્રીએ એક સત્તાવાર યાદીમાં જણાવ્યુ છે કે જે – તે સ્થળોએ તંત્રના અધિકારીઓ દ્વારા કોવિડ-૧૯ હેઠળ તેમના કાર્યક્ષેત્રમાં સીટી સ્કેન સેન્ટરો (કોરોના માટે જયાં સીટી સ્કેન કરવામાં આવે છે) જયા આવેલા છે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ આ સેન્ટરો દ્વારા કોવિડ-૧૯ના દર્દીઓની તપાસ કરવામાં આવે છે ત્યાં સાવચેતીના ભાગરૂપે એક દર્દીથી બીજા દર્દી વચ્ચે કોઈ સંક્રમણની શકયતા ઉભી ન થાય તે હેતુથી દર્દીને સુવડાવવામાં આવતા ટેબલ / સ્કાઉચને યોગ્ય સરફેસ ડીસ – ઈન્ફેકટન્ટ દ્વારા કલીન થાય તેની પૂરી કાળજી રાખવા અથવા તો ત્યાં ડીસ્પોઝેબલ સીટનો ઉપયોગ થાય તે જરૂરી છે.
ડો. જયંતિ રવિના નિર્દેશ મુજબ રાજયભરમાં આવેલા તમામ સીટી સ્કેન સેન્ટરોની તાત્કાલીક તપાસ કરીને સેન્ટરોને આ બાબતથી વાકેફ કરવા અને જે કંઈ આ અંગેની કાર્યવાહી કરવામાં આવે તેની વિગતો ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરને ગાંધીનગર મોકલી આપવા જણાવાયુ છે.
રાજયભરના મોટાભાગના સીટી સ્કેન સેન્ટરોમાં દર્દીઓ સીટી સ્કેન કરાવવા આવે છે ત્યારે દર્દીઓને જે ટેબલ ઉપર સુવડાવાય છે ત્યાં કોઈપણ પ્રકારે ડીસઈન્ફેકશન સેનેટાઈઝ અથવા તો અન્ય કોઈ રીતે કરવામાં આવતુ નથી. ઉપરાંત કોરોના અંગેની તપાસ માટે સીટી સ્કેન માટે કરાવવા આવનાર દર્દીઓની મોટી સંખ્યા સીટી સ્કેન સેન્ટરોએ આવતી હોય છે. ખરેખર એક વ્યકિતનું સીટી સ્કેન થાય પછી ડીસ્પોઝેબલ ચાદર પાથરવી જરૂરી છે.
બીજો દર્દી આવે ત્યારે આ ચાદર બદલી નાખવો જોઈએ. ઉપરાંત એક દર્દીનું સીટી સ્કેન થઈ જાય પછી બીજા કોઈને ચેપ ન લાગે તે માટે સીટી સ્કેન મશીનવાળો રૂમ સેનેટાઈઝના ફુવારાથી સેનેટાઇઝ કરવો જરૂરી છે. આ સાવચેતી લગભગ મોટાભાગના સીટી સ્કેન સેન્ટરોમાં જળવાતી ન હોવાનું સરકારના ધ્યાને આવતા તાત્કાલીક આ પગલા લેવામાં આવ્યાનું મનાય છે.