ખંભાળીયા નગરપાલિકામાં રોડ-રસ્તા-પાણીનાં મુદ્દે વિપક્ષ કોંગ્રેસ નેતા દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ

અઢી દાયકાથી ભાજપનું શાસન નિષ્ફળ નિવડયાની સોશ્યલ મીડિયામાં ટીખળ : ઠેર-ઠેર ગંદકીના ગંજ
જામખંભાળીયા: ખંભાળિયા નગરપાલિકામાં નક્કર કામગીરી માટે સત્તાવાહકો નિષ્ફળ: વ્યાપક ભ્રષ્ટાચાર આક્ષેપો- સતાધારી જૂથ સદંતર નિષ્ફળ ગયાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ-ખંભાળિયા નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી આંતરિક સખળડખળ, ભ્રષ્ટાચાર, સહિતના વિવિધ મુદ્દે અવાર નવાર વગોવાય છે.
હાલ શહેરના શિરદર્દ સમા પ્રશ્ન એવા રસ્તા તથા પાણી સહિતના મુદ્દે નગરપાલિકાના વિપક્ષી કોંગ્રેસી નેતા દ્વારા ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાના આક્ષેપો કરી અને વિરોધની લાગણી વ્યક્ત કરી છે. ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે અઢી દાયકાથી ભાજપની સંપૂર્ણ બહુમતિથી શાસન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરના રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગે તેવો હોય, લોકોમાં પણ ઉગ્ર રોષ સાથે સોશિયલ મીડિયામાં પણ અવારનવાર ટીખળ અને રમૂજ સાથેના આક્ષેપો થઈ રહ્યા છે.
આટલું જ નહીં, નગરપાલિકાના વિપક્ષી કોંગ્રેસી સદસ્યો દ્વારા અગાઉ રોડના કામો લોટ, પાણીને લાકડા જેવા થયા હોય, તે અંગેના પણ વિરોધ કરવા છતાં નગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા જે- તે સમયે નક્કર કાર્યવાહી ન થઇ હોવાથી હાલ શહેરમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેના કારણે આશ્ચર્યજનક રીતે નગરપાલિકાના પ્રમુખે પણ મેદાનમાં આવી અને વિરોધ સાથે લેખિત પત્ર લખવો પડ્યો છે. જેમાં નિષ્ફળ ગયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી ડિપોઝિટ જપ્ત કરી અને નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવા તથા અંગેની માહિતી આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરમાં હાલ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતાં વિપક્ષ દ્વારા શહેરમાં વારંવાર સર્જાતા પાણી પ્રશ્ન અંગે પાલિકાની કામગીરી સામે પણ સવાલો કરવામાં આવ્યા છે. નવાઈની બાબત તો એ છે કે આશરે ત્રણેક કિલોમીટરના વિસ્તારના ખંભાળિયા શહેર માટે નગરપાલિકા દ્વારા પ્રતિ માસ રૂપિયા ૮૫ થી ૯૦ હજાર રૂપિયાનું ડીઝલનું બીલ બનાવવામાં આવે છે.
જેમાં પણ વિપક્ષને ભ્રષ્ટાચારની ગંધ આવતા વિરોધ કરવામાં આવ્યો છે. પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા દ્વારા જણાવાયા મુજબ ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે બે માસથી દરરોજ રાત્રીના વધારાની સફાઈના નામે દૈનિક આશરે અડધા લાખથી વધુ તથા માસિક આશરે ૨૪ થી ૨૫ લાખ રૂપિયાનું બિલ બને છે. તેમ છતાં પણ શહેરમાં ગંદકી ઉડીને આંખે વળગે તેવી છે. આમ, નગરપાલિકાના વહીવટ સામે વિપક્ષ દ્વારા કથિત ભ્રષ્ટાચારના અંગુલિનિર્દેશે સ્થાનિક રાજકારણમાં ગરમાવો પ્રસરાવ્યો છે.