નવરાત્રીમાં ભક્તોને વૈષ્ણોદેવી જવાની તક, 15 ઓક્ટોબરથી કટરા-નવી દિલ્હી વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ

ભારતીય રેલવેએ વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન ફરી 15 ઓક્ટોબરથી દોડશે. આ ટ્રેન 22439/22440 હેઠળ ચાલશે. નવરાત્રીમાં વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા ભક્તોને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી અને શ્રી વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસોમાં ચાલશે. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી આ ટ્રેન સવારે 6 વાગ્યે ઊપડશે અને બપોરે 2 વાગ્યે માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશન પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન વૈષ્ણોદેવી કટરાથી બપોરે 3 વાગ્યે ઊપડશે અને રાત્રે 11 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે. રસ્તામાં આ ટ્રેન અંબાલા કેન્ટ, લુધિયાણા અને જમ્મુ તાવી રેલવે સ્ટેશને રોકાશે.

નવી દિલ્હીથી કટરા સુધીની AC ચેર કારનું ભાડું 1630 રૂપિયા હશે, જ્યારે મુસાફરોને એક્ઝિક્યુટિવ કારમાં મુસાફરી કરવા માટે 3015 રૂપિયા હશે. કટરાથી નવી દિલ્હી સુધીનું ભાડું AC ચેર કારમાં 1570 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારમાં 2965 રૂપિયા હશે.