
છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર વડતાલ મંદિર વિવાદોમાં આવતું રહે છે ત્યારે આજે ફરી એક વખત મંદિર વિવાદોમાં આવ્યું છે જેમાં ગુરૂ દ્વારા જ શિષ્યનું શોષણ કરવામાં આવ્યું હોવાના સામે આવી રહ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરનાં કોઠારી અને કરજણ પાસેના કંડારી ગુરૂકુળના સંસ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી સામે તેમના જ શિષ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે.
ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી સામે શિષ્યએ ફરિયાદ નોંધવતા જણાવ્યું કે, ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસે તેમની સાથે વર્ષ 2013 થી 2019 સુધી અવાર-નવાર સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ અંગે શિષ્યએ કરજણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. કંડારી ગુરુકુળમાં ભોગ બનેલા શિષ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. શિષ્ય વેદાંતવલ્લભ દ્વારા ફરિયાદ કરાઇ છે. શિષ્ય સાથે ઘનશ્યામ શાસ્ત્રીએ સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફરિયાદને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.

ફરીયાદી વેદાંતવલ્લભ નામના શિષ્ય એ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે, મારા માતા-પિતાની મરજી ન હોવા છતાં હું 12 ઓગસ્ટ 2011નાં રોજ સાધુ થવા માટે અહીં આવ્યો હતો ત્યારે મારી એક જ ઇચ્છા હતી કે, મારે ભગવાનને પામવા છે અને આ જીવનું કલ્યાણ કરવું છે. દીક્ષા લીધા પછી મેં ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીને મારા ગુરૂ બનાવ્યા હતા. પહેલા બે વર્ષ તો આધ્યાત્મિક વાતાવરણ મળ્યું. ત્યાર પછી 2013માં હું ટીનેજમાંથી યુવાની તરફ જતો હતો. એક દિવસે બપોરે 2 વાગ્યાની આસપાસ ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીએ મને તેમના રૂમમાં બોલાવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે, તું આટલો નર્વસ કેમ લાગે છે. ત્યારે મેં તેમને આ આવેગો અંગે વાત કરી. ત્યારે તેમને મને કહ્યું કે, હું જેમ કહું તેમતું કરજે એટલે તારા આવેગો નાસ પામશે અને તું બ્રહ્મરૂપી થઇશ.

વેદાંતવલ્લભ શિષ્ય એ વધુમાં જણાવતા કહ્યું કે, ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીએ મને રૂમનો દરવાજો બંધ કરીને તેમની પાસે બેસવાનું કહ્યું. એટલે હું તેમની પાસે બેઠો એટલે તેમણે મને ભગવાનની, શાસ્ત્રોની વાતો કરી કરીને મારું બ્રેઇન વોશ કરી દીધું, મને હિપ્નોટાઇઝ કરી દીધો કે, એમણે મને મારા વસ્ત્રો કઢાવી નાંખ્યા અને તે પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયા. અને મારી જોડે સૃષ્ટી વિરુદ્ધનું દુષ્કર્મ કર્યું. ત્યારે મે તેમનો પ્રતિકાર કર્યો અને કહ્યું કે કોઇપણ સાધુને આ છાજે એવુ નથી. ત્યારે તેમણે મને ડરાવીને ધમકાવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તું કોઇને કહીશ તો તારી આવી બનશે અને તને નુકસાન થશે. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે મને મેન્ટલ ટોર્ચર કરીને મને દબાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છે.
કુંજન પાટણવાડીયા