નિરવ મોદીને ભારતમાં ન્યાય નહિ મળે : દેશમાં ન્યાયિક વ્યવસ્થા ખાડે ગઇ છે

- પૂર્વ ચીફ જસ્ટીસ કાત્જુએ ભાગેડુ નિરવ મોદીના પક્ષમાં લંડનની કોર્ટમાં જુબાની આપી કહ્યું કે, ભારતમાં નિષ્પક્ષ સુનાવણીની તક નહિ મળે
- ભારતમાં ન્યાયપાલિકાનો મોટાભાગનો હિસ્સો ભ્રષ્ટ છે અને તપાસ એજન્સીઓ પોતાના રાજકીય ગુરૂઓના ઇશારે કામ કરી રહી છે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત્ત જસ્ટીસ માર્કેન્ડેય કાત્જુએ ગઇકાલે લંડનની એક કોર્ટમાં ભાગેડુ નિરવ મોદીના પક્ષમાં વિડીયો લીંકના માધ્યમથી નિવેદન આપ્યું હતું. ભારત સતત નિરવ મોદીને ભારત લાવવામાં લાગ્યું છે. એવામાં કાત્જુએ મોદીના પક્ષમાં જુબાની આપી તે આશ્ચર્યજનક છે. લંડનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કાત્જુએ કહ્યું હતું કે, નિરવ મોદીને ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સુનાવણીની તક નહિ મળે.
પાંચ દિવસની સુનાવણીના અંતિમ દિવસે જસ્ટીસ સેમ્યુલે ૩ નવેમ્બરના રોજના મામલાને સ્થગિત કરતા પહેલા કાત્જુના નિવેદનને વિગતવાર સાંભળ્યો હતો. હવે ૩ નવેમ્બરે કોર્ટે નિરવ મોદી વિરૂધ્ધ છેતરપિંડી અને મનિલોન્ડરીંગના આરોપોને લઇને ભારતીય અધિકારીઓએ આપેલા પુરાવા અંગે સાંભળશે.
કાત્જુએ પોતાની જુબાનીમાં કહ્યું હતું કે, નિરવ મોદીને ભારતમાં નિષ્પક્ષ સુનાવણીની તક નહિ મળે કારણ કે ન્યાય પાલિકાનો મોટો ભાગ ભ્રષ્ટ છે અને તપાસ એજન્સીઓ સરકાર તરફ ઝુકેલી હોય છે. કાત્જુના દાવા પર ભારત સરકાર તરફથી બોલતા એડવોકેટે વળતો પ્રહાર પણ કર્યો હતો.
પોતાના ૧૩૦ મીનીટના નિવેદનમાં કાત્જુએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં ન્યાય વ્યવસ્થા ચોપટ થઇ ગઇ છે. તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સીઓ જેમ કે સીબીઆઇ અને ઇડી રાજકીય ગુરૂઓના ઇશારે કામ કરે છે.