
શહેરમાં હનીટ્રેપના કિસ્સા અગાઉ પણ પોલીસે શોધી કાઢ્યા છે. વધુ એક બનાવમાં યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક પાસે રામેશ્વર પાર્ક-૩માં રહેતી અલ્પા આશિષ મારડીયા અને તેના પતિ આશિષ મારડીયાને આવા ગુના સબબ સકંજામાં લીધા છે. મોરબીના વેપારીને અલ્પા સાથે ચારેક વર્ષથી મિત્રતા હતી. પણ ચાર મહિના પહેલા આ મિત્રતા પુરી કરી નાંખી હતી. ફરીથી તેણીએ ફોન કરી સંપર્ક કરતાં વાતચીત ફરીવાર શરૂ થઇ હતી. પાંચમીએ મારો ઘરવાળો બહાર જવાનો છે, તમે આવી જાવ…તેવો ફોન કરતાં વેપારી હરખાતા હૈયે રાજકોટ આવ્યા હતાં અને અલ્પા સાથે વાતો કરવા રૂમનો દરવાજો બંધ કર્યો ત્યાં જ ‘હનીટ્રેપ’માં ફસાઇ ગયાની ખબર પડી હતી. અલ્પાના પતિ અને બીજા શખ્સોએ આવી તમે છેડતી કરી છે, પોલીસ કેસ થશે…કહી ડરાવી ધમકાવી પાંચ લાખ માંગ્યા હતાં. પછી બે લાખમાં નક્કી કરી ૨૨૫૦૦ પડાવી લઇ બાકીની રકમ માટે મુદ્દત પાડી દીધી હતી. મામલો પોલીસમાં પહોંચતા આરોપીઓને દબોચવા દોડધામ શરૂ થઇ હતી.
આ બારામાં પોલીસે મોરબી રવાપર રોડ જમના ટાવરમાં રહેતાં અને સનાળા રોડ પર જય ગાંઠીયા રથ નામે દૂકાનમાં બેસી વેપાર કરતાં સંજયભાઇ હીરાભાઇ સોમૈયા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી રામેશ્વર શેરી નં. ૩ નાણાવટી ચોક રાજકોટમાં રહેતી અલ્પા આશિષ મારડીયા, તેના પતિ આશિષ મારડીયા અને ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધ્યો છે.
વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે મારે ચારેક વર્ષથી અલ્પા મારડીયા સાથે મિત્રતા હોઇ અમે અવાર-નવાર મળતાં હતાં. પણ ચારેક મહિનાથી મિત્રતા મુકી દીધી હતી. એ પછી તેણીએ ફરીથી ફોન કરતાં મિત્રતા શરૂ થઇ હતી. ૪/૧૦ના રાતે તેણીએ મને ફોન કરી કહેલું કે આવતીકાલે ૫મીએ મારો ઘરવાળો આશિષ એગ્રીમેન્ટ કરાવવા જવાનો છે, જેથી તું મારા ઘરે આવી જજે.
આથી હું પાંચમીએ સવારે મારી કાર લઇ મોરબીથી રાજકોટ રામેશ્વર સોસાયટીમાં અલ્પાના ઘરે પહોંચ્યો હતો. તે ઘરમાં એકલી જ હોઇ મારી સાથે વાતચીત કરી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યાં જ તેણીનો પતિ આશિષ, તેનો મિત્ર આવ્યા હતાં અને મને મારકુટ કરી છેડતીનો આરોમ મુકી ગાળો દીધી હતી. બાદમાં રૂ. પાંચ લાખની માંગણી કરી હતી. રકઝક બાદ બે લાખ માંગ્યા હતાં અને મારા ખિસ્સામાંથી ૨૫ હજાર કાઢી લઇ ૨૫૦૦ પાછા આપી દીધા હતાં. ત્યારબાદ બાકીની રકમ ૧૦/૧૦ના ચુકતે કરી દેવાનું કહી મારી નાંખવાની ધમકી આપી હતી.
એ દરમિયાન આશિષે બીજા બે જણાને બોલાવ્યા હતાં. આ બંનેએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને ફીટ કરી દેવાની ધમકી આપી પૈસાની લેતીદેતીની વાત સમયસર પતાવી દેવા કહ્યું હતું. મેં ઘરે પહોંચ્યા બાદ સગા સંબંધીઓને વાત કરતાં મને પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવવાનું કાવત્રુ રચાયાનું જણાતાં ફરિયાદ કરી હતી.
ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા સહિતની ટીમે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ અલ્પા અને તેનો પતિ સકંજામાં છે. અન્ય આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.