પુરૂષોત્તમમાસનું માહત્મ્ય,

સર્વ માસોમાં સર્વોત્તમ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ. એને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક માસ એટલે અધિક આનંદ ઉલ્લાસનો માસ. જેમાં વધુ ને વધુ સેવા, સત્સંગ, કથા-કીર્તન, ધૂન-ધ્યાન કરવામાં આવે છે.
સર્વ માસોમાં સર્વોત્તમ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ. એને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક માસ એટલે અધિક આનંદ ઉલ્લાસનો માસ. જેમાં વધુ ને વધુ સેવા, સત્સંગ, કથા-કીર્તન, ધૂન-ધ્યાન કરવામાં આવે છે.
આ માસને પહેલા મળમાસ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ તે ભગવાનને શરણે ગયો. ભગવાને અધિક માસની આપવીતી સાંભળી અને તેને પોતાના શરણે લીધો. એટલું જ નહિ પણ ભગવાને તેને વરદાન આપ્યું કે, તું મારે શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેેને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ.
આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને તેને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું અને તેઓ તેના અધિષ્ઠાતા દેવ બન્યા. મળમાસ હવે ધર્મમાસ ગણાવા લાગ્યો.
આ માસમાં સ્નાન, દાન, તપ, ઉપવાસ, ધારણાં-પારણાં, અનેક ગણાં ફળ આપનારાં ગણાય છે. આપણા શા માં ઘણા પ્રસંગો જોવા મળે છે કે, આ પુરુષોત્તમ માસ કરવાથી આલોકના તમામ સંકલ્પો સિદ્ધ થાય છે.
એક ડોશી અને ડોસો રહે. તેમને ઘરે ત્રણ દીકરા. ત્રણે દીકરા જુદા રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો.
ડોશી-ડોસાને આખો પુરુષોત્તમ માસ નદીએ નાહવાની ઈચ્છા થઈ પણ બંને જણાં નહાવા જાય તો રાંધીને ખવડાવે કોણ? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી કે, ભાઈ! આટલો મહિનો અમને તારે ત્યાં રાખે તો અમે પુરુષોત્તમ માસ કરીએ.
મોટા છોકરાએ ઘસીને ના પાડી. ડોસો વચેટ દીકરાને ત્યાં ગયો અને વાત કરી. વચેટ દીકરાએ કહ્યું: પિતાજી! મને તો વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે. નિત્ય કજીયો કરશે. તમને ફાવે તો રહો.
ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો. ડોસાને આવેલો જોઈ દીકરો વહુ પગે લાગ્યાં. ડોસાએ બધી વાત કરી.
દીકરો અને દીકરાની વહુ બોલી ઊઠયાં: પિતાજી! એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું અમારું ભાગ્ય કયાંથી?
ડોશી-ડોસો તો નાના દીકરાને ઘરે રહે, સવારે ભગવાનનું સ્મરણ કરતાં- કરતાં નદીએ નહાવા જાય અને લાકડીને ટેકે-ટેકે ચાલ્યાં આવે તેમનાં ભીનાં લૂંગડાં વહુ લઈ લે અને બારણાંના કમાડ ઉપર નાંખે.

કમાડની પાછળ કોઠી હતી. તેમાં ભીનાં લૂગડાં ટપક્યાં કરે. વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવીને સૂકવે.
પુરુષોત્તમ માસ પૂરો થયો. ડોશી-ડોસાએ નાની વહુ અને દીકરાને આશીર્વાદ દીધા.
અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી. વહુ જુએ તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી!
તેણે પોતાના પતિને વાત કરી. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાના દીકરાએ તો પુરુષોત્તમ માસમાં મા-બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી. આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું.
બીજા બે દીકરાઓએ વાત જાણી કે પુરુષોત્તમ માસમાં ડોશી-ડોસા નાહીને લૂંગડાં લાવતાં તેમાંથી જે પાણી ટપકતું તેનાં મોતી બની ગયાં! આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે, હવેથી ડોશી-ડોસાને આપણે ત્યાં રાખવાં.
ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોશી-ડોસાને પોતાને ત્યાં રાખ્યા. તેઓ કમાડ પર જે ભીનાં કપડાં નાખે તેને વહુ બરાબર નીતરવા દે.
આખો પુરુષોત્તમ માસ આ નિયમ ચાલુ રહ્યો. બિચારા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ! ધાન પણ પલળીને સડી ગયું. પણ મોતી ન થયાં તો ન જ થયાં.
પરંતુ આ તો માણસ જેવી ભક્તિ કરે છે એવું ફળ મળે છે.
આપણે તો આશા રાખીએ કે, પુરુષોત્તમ માસ! જેવો નાની વહુને ફળ્યો તેવા સૌને ફળજો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પુરુષોત્તમ માસ આવે છે ત્યારે સૌ આશ્રિતજનો આ માસમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ષોડ્શોપચારથી મહાપૂજા કરે છે તથા નિત્ય પ્રત્યે તેઓ ભગવાન સમક્ષ માળા, પ્રદક્ષિણા, દંડવત્, મંત્રજાપ કરતા હોય તેના કરતાં આ માસ દરમિયાન વિશેષ કરે છે.
આ માસ દરમિયાન સૌ એકટાંણા કરે છે તથા એકાદશીને દિવસે નકોરડો ઉપવાસ પણ કરે છે. અને આ માસમાં સત્સંગીજીવન, સત્સંગીભૂષણ, ભક્તિચિંતામણી, પુરુષોત્તમલીલામૃત સુખસાગર ગ્રંથ, વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો, શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતો આદિ ગ્રંથોની સૌ-સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પારાયણ કરે છે.
આ માસ દરમિયાન સ્વામિનારાયણ મંદિરોમાં રાત્રે પુરુષોત્તમ માસની કથા પણ બેસે છે. જેમાં સંતો દ્વારા કથામૃતનું સૌ સત્સંગીજનો પાન કરે છે.
દર વર્ષે તથા પુરુષોત્તમ માસમાં સત્સંગીજીવન અથવા સત્સંગીભૂૂષણ ગ્રંથની કથા વાંચતા અને સૌ અનુયાયીઓ તે સત્સંગનો લાભ લેતા અને જ્યારે અમાવાસ્યા આવે ત્યારે આ કથાની પૂર્ણાહૂતિ થતી.
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પુરુષોત્તમ માસનું એક આગવું મહાત્મ્ય છે. તો આપણે પણ આ પુરુષોત્તમ માસમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે વધુ ને વધુ ધ્યાન, ભજન, કથાવાર્તા અને સત્સંગ કરીએ અને તેમને પ્રસન્ન કરીએ.