મહાબલી ફાઇટર જેટ રાફેલનું ભવ્ય ’રાજતિલક’

- ચીન અને પાકિસ્તાન ફફડી ઉઠ્યા
- અંબાલા ખાતે યોજાયેલા સમારોહમાં એરફોર્સમાં વિધિવત રીતે સામેલ
- સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતી : રાફેલે ઉડયન ભરી તાકાતના કરાવ્યા દર્શન
આજથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થયો છે. ફ્રાંસથી લાવવામાં આવેલા પ લડાકુ વિમાન રાફેલ સત્તાવાર રીતે એરફોર્સને સોંપી દેવાયા છે. અંબાલા ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના સંરક્ષણ મંત્રીની આ સમયે ખાસ ઉપસ્થિતી રહી હતી. આ પ્રસંગે સીડીએસ બિપીન રાવત અને ભારતીય વાયુદળના ચીફ ભદૌરીયા પણ હાજર રહ્યા હતા. અને મહા પ્રસંગે સર્વધર્મ પૂજા પણ કરવામાં આવી હતી. બાદમાં રાફેલે આસમાનમાં ઉડાન ભરી પોતાની તાકાતનો પરિચય પણ આપ્યો હતો. રાફેલ બનાવનારી કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. હજુ ફ્રાંસથી ૩૧ રાફેલ વિમાનો આવવાના બાકી છે.
રાફેલના રાજયાભિષેકની તૈયારી કેટલી ખાસ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇન્ડકશન સમારોહમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે અને ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ મુખ્ય મહેમાન હતા તેમજ આ ઐતિહાસિક ક્ષણ પર સીડીએસ જનરલ બિપિન રાવત અને એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદૌરીયા ઉપસ્થિત હતા.
આ સમારંભ માટે અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપરાંત કેન્ટ વિસ્તારની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સૈન્ય ટીમો પેટ્રોલીંગ પર ઉતરી છે. સેનાના સશસ્ત્ર સૈન્ય બજારો અને ત્યાંના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરી હતા. સૈન્ય વિસ્તારો તરફ જતા માર્ગો પર પણ ચોકસાઇ વધારી દેવામાં આવી હતી.
રાફેલની શકિતને કારણે ભારતના દુશ્મનો થરથર કાંપશે. રાફેલ એ ૪.૫ જનરેશનનું ફાઇટર એરક્રાફ્ટ છે. ભારત અને ફ્રાંસ સાથેના કરાર મુજબ ૨૦૨૨ સુધીમાં ભારતને ૩૬ રાફેલ જેટ મળશે. પહેલા ૧૮ રાફેલ જેટને અંબાલા એરબેઝમાં રાખવામાં આવશે, જયારે બાકીના ૧૮ વિમાનને ઉત્ત્મર-પૂર્વમાં હાશીમારામાં તૈનાત કરવાની યોજના છે.