મધ્યપ્રદેશ: પોલીસે ગેંગરેપની ફરિયાદ ન લેતા દલિત મહિલાનો આપઘાત

નરસિંહપુરના ચીચલી ગામમાં ગેંગરેપ પીડિત મહિલાએ આપઘાત કરી લીધો હતો. પીડિતાના પતિનો આરોપ છે કે તેઓ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા પરંતુ ફરિયાદ લેવામાં નહતી આવી. આ કેસ મીડિયામાં આવતા વાત ભોપાલ સુધી પહોંચી હતી.
આ કેસને ધ્યાનમાં લેતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કડક પગલાં ભરવાના આદેશ આપ્યા હતા. આદેશ બાદ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેમની વિરુદ્ધ કલમ 376D અને 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સીએમએ કહ્યુ કે, રાજ્યમાં બળાત્કારીઓને બક્ષવામાં નહીં આવે.
સીએમના આદેશ બાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મિશ્રીલાલ કે જેમણે એફઆઈઆર નોંધી ન હતી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપી અરવિંદ, મોતીલાલ અને અનિલ રાયની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ તાત્કાલિક અસરથી એડિશનલ એસપી, એસડીઓપીને હટાવી દેવામાં આવ્યા છે.